
રાજસ્થાન, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળ મામલે ચર્ચા કરવાનો વિપક્ષને સ્મૃતિ ઈરાનીનો પડકાર
નવી દિલ્હીઃ મણિપુરના મુદ્દે સંસદમાં મડાગાંઠ સતત વધી રહી છે અને વિપક્ષે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે, જેને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સ્વીકારી લીધી છે. વિપક્ષ સતત મણિપુર મુદ્દે સંસદમાં પીએમ નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ કરી રહ્યો છે અને હંગામો મચાવી રહ્યો છે. બુધવારે વિપક્ષના હંગામા પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ભડક્યાં હતા અને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. રાજ્યસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, આ લોકો રાજસ્થાન, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળ વિશે વાત કરવાની હિંમત કેમ નથી કરતા.
રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન વિપક્ષી દળોના સાંસદોએ મણિપુર પર હંગામો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પછી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ નારાજગી વ્યક્ત કરીને વિપક્ષને પડકાર ફેંકતા કહ્યું કે, જો તમારામાં હિંમત હોય તો રાજસ્થાન, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળની પણ ચર્ચા કરો.
જ્યારે બીજેપી સાંસદ અને એથ્લેટ પીટી ઉષા રાજ્યસભામાં બોલી રહી હતી ત્યારે વિપક્ષી પાર્ટીઓના સાંસદોએ હંગામો મચાવ્યો હતો અને ‘મણિપુર-મણિપુર‘ ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. આ પછી કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની ગુસ્સે થઈ ગયા અને વિપક્ષી સાંસદોને ઠપકો આપ્યો. તેમણે કહ્યું કે જે લોકો તેમને (પીટી ઉષા) પરેશાન કરી રહ્યા છે તેઓએ દેશનું ગૌરવ વધારવામાં પીટી ઉષાના યોગદાનનો બે તૃતીયાંશ ભાગ પણ ન આપ્યો હોત.
નાણા મંત્રી નિર્મલા સીતારમણ અંગે વાણીવિલાસ કરવા મામલે નારાજગી વ્યક્ત કરીને તેમણે રાજ્યસભામાં માફીની માંગણી કરી હતી. તેમણે કહ્યું કે, સદનમાં એક સભ્યએ બીજા સભ્ય અંગે અયોગ્ય વાણીવીલાસ કર્યો છે તેમણે માફી માંગવી જોઈએ.