Site icon Revoi.in

સુરતના જહાંગીરપુરામાં તસ્કરોએ એટીએમ તોડીને 15 લાખની ચોરી કરી

Social Share

સુરતઃ શહેરના જહાગીરપુરા વિસ્તારમાં એસબીઆઈના એટીએમને ગેસ કટરથી માત્ર 15 મીનીટમાં તોડીને તસ્કરો 15 લાખ રૂપિયા ઉઠાવી ગયા છે. બુકાનીધારી 5 જેટલા શખસોએ એટીએમમાં ઘૂંસીને પ્રથમ સીસીટીવી પર બ્લેક સ્પ્રે માર્યો હતો, અને  લૂંટ બાદ તસ્કરો બોલેરો કારમાં ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં પોલીસે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે,  સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા એસબીઆઈ બેંકના એટીએમ મશીનને તસ્કરોએ કટર વડે તોડી  15 લાખ રૂપિયાની રોકડ રકમની ચોરી કરી બુકાનીધારી પાંચ શખસો પલાયન થઈ ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, પાંચ લૂંટારૂ શખસો બોલેરો કારમાં આવ્યા હતા જેમાંથી એક તસ્કર એટીએમમાં જાય છે અને સીસીટીવી કેમેરામાં કેદ ન થઈ જાય આ માટે ચતુરાઈ દાખવી પહેલા સીસીટીવી પર બ્લેક સ્પ્રે છાંટીને કૃત્ય છુપાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન એટીએમની બહાર ચાર જેટલા તસ્કરો તેની રાહ જોઈ રહ્યા હતા.

એસબીઆઈ બેન્કની બહાર લાગેલા સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે,  ચોરીને અંજામ આપતા પહેલા તસ્કરો એટીએમ બહાર ઊભા હતા ત્યારે પેટ્રોલિંગ માટે પીસીઆર વેન પસાર થઈ હતી. તસ્કરોએ સાવચેતીરૂપે થોડીવાર રાહ જોઈ, અને પીસીઆર વેન ત્યાંથી જતાં જ પોતાનું પ્લાનિંગ અમલમાં મૂક્યું.એક જણ એટીએમમાં ઘૂસ્યો હતો. સીસીટીવીમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે તસ્કરો બોલેરો કારમાં આવ્યા હતા. એક શખ્સ કારમાંથી ઉતરીને એટીએમમાં ઘૂસ્યો અને કટર વડે એટીએમ તોડીને રોકડ રકમ ચોરી હતી.

આ સમગ્ર ઘટનાને લઈ ક્રાઈમ બ્રાંચ અને જહાંગીરપુરા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે એટીએમ ચલાવતી કેશ ડિપોઝિટ એજન્સીને પણ બોલાવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. નકાબ પહેરીને તસ્કરો આવ્યા હતા. સુરતના ડીસીપી વિજયસિંહ ગુર્જરે ઘટનાને લઈને જણાવ્યું કે, તસ્કરો બોલેરો કારમાં આવીને એટીએમ તોડી ગયા છે. 15 મિનિટમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે અને ક્રાઈમ બ્રાન્ચ પણ ઘટનાની સમીક્ષા કરી રહી છે.