ઓસ્ટ્રેલિયાની સરકારે બાળકોની ઓનલાઇન સુરક્ષા માટે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકાઉન્ટ બનાવવાની કે ચલાવવાની મંજૂરી નહીં મળે. પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝએ જણાવ્યું કે બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને વિકાસને સુરક્ષિત રાખવા માટે આ કાયદો અત્યંત જરૂરી હતો. નવો નિયમ 10 ડિસેમ્બર 2025થી અમલમાં આવશે.
સરકાર દ્વારા રજૂ થયેલ “ઓનલાઇન સેફ્ટી એમેન્ડમેન્ટ (સોશિયલ મીડિયા મિનિમમ એજ) બિલ 2024” મુજબ, 16 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ વ્યક્તિ માટે સોશિયલ મીડિયા વાપરવું ગેરકાયદેસર ગણાશે. પ્લેટફોર્મને એવા તમામ એકાઉન્ટ્સ બંધ કરવાના રહેશે જે બાળકોના છે, અને યુઝર વેરિફિકેશન માટે કઠોર ચકાસણી સિસ્ટમલાગુ કરવી ફરજિયાત રહેશે. આ નિયમ મોટાભાગના લોકપ્રિય પ્લેટફોર્મ્સ પર લાગુ થશે. જો કોઈ પ્લેટફોર્મ આ કાયદાનું ઉલ્લંઘન કરશે તો તેને કાનૂની કાર્યવાહી અને ભારે દંડનો સામનો કરવો પડશે.
પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝે જણાવ્યું હતું કે, “આ પગલું આપણા બાળકોને ઓનલાઇન ખતરાઓથી સુરક્ષિત રાખવા માટે અત્યંત આવશ્યક છે. ડિજિટલ દુનિયા બાળકોના માનસિક સ્વાસ્થ્ય અથવા વિકાસના મૂલ્યે ચાલી શકતી નથી.” તેમણે ઉમેર્યું કે ઈન્ટરનેટ શિક્ષણ અને મનોરંજનનું માધ્યમ બની રહે, પરંતુ બાળકો માટે જોખમરૂપ ન બને તે સરકારની પ્રથમતા છે.
સરકારના જણાવ્યા અનુસાર, વૈશ્વિક અભ્યાસોમાં જણાયું છે કે બાળકો અને કિશોરોમાં સોશિયલ મીડિયા પ્રત્યેની લત ઝડપથી વધી રહી છે. આ કારણે બાળકોની ઉંઘમાં ખલેલ, ચિંતા અને ઉદ્વેગમાં વધારો, તેમજ ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં ઘટાડો નોંધાયો છે. આ કાયદો 10 ડિસેમ્બર 2025થી અમલમાં આવશે. ત્યારબાદ કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 16 વર્ષથી ઓછી ઉંમરના યુઝરને સેવા આપી શકશે નહીં.

