Site icon Revoi.in

સુરતમાં 5.03 લાખની નકલી નોટ્સ સાથે રત્ન કલાકારને SOGએ ઝડપી લીધો

Social Share

સુરત, 12 જાન્યુઆરી 2026:  હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. ત્યારે એક રત્નકલાકારે શોર્ટ રસ્તે રૂપિયા કમાવવા જતા પકડાઈ ગયો છે. રત્નકલાકાર રૂપિયા 500ના દરની નકલી નોટો વટાવવા જતા પોલીસ (SOG)એ ઝડપી લીધો હતો. પોલીસે રત્નકલાકારની જડતી લેતા તેની પાસેથી 5.03 લાખની નકલી નોટો મળી આવી હતી.

સુરત શહેરમાં છેલ્લા 10 વર્ષથી સ્થાયી થયેલા અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એક રત્નકલાકારને પોલીસે રૂપિયા 5.03 લાખની કિંમતની બનાવટી(નકલી) ભારતીય ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની હીરા મજૂરીની આડમાં છેલ્લા એક વર્ષથી આ કાળા કારોબારમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પકડાયેલો આરોપી પરેશ પુનાભાઇ હડીયા (ઉં.વ. 27 ) મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ઘાંડલા ગામનો વતની છે અને હાલ પુણાગામ વિસ્તારમાં રહે છે. તે છેલ્લા 6 વર્ષથી વરાછાની જાણીતી હીરાની કંપનીમાં કામ કરતો હતો. તે ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓ જેવી કે શાકમાર્કેટની લારીઓ, નાના ગલ્લાઓ અને છૂટક દુકાનદારોને નિશાન બનાવતો હતો, જેથી ભીડના લાભમાં કોઈ તેની નકલી નોટો પારખી ન શકે. પોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા 5,55,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં રૂપિયા 5,03,500ની નકલી નોટો, એક મોટોરોલા કંપનીનો મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ હોન્ડા સાઈન મોટરસાયકલનો સમાવેશ થાય છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નકલી નોટોનો જથ્થો આરોપી ક્યાંથી લાવતો હતો અને તેની સાથે અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ  આરોપી છેલ્લા 10 વર્ષથી પોતાના પરિવાર સાથે સુરતમાં સ્થાયી થયો હતો અને સામાન્ય રત્નકલાકાર તરીકે જીવન જીવતો હતો. પરંતુ વધુ પૈસા કમાવવાની લાલચે તેને ગુનાઈત પ્રવૃત્તિ તરફ ધકેલી દીધો હતો. છેલ્લા એક વર્ષથી તે સતત પોલીસની નજરથી બચીને આ પ્રવૃતિ કરી રહ્યો હતો, પરંતુ અંતે તે કાયદાના શિકંજામાં આવી ગયો છે.

Exit mobile version