- શંકાસ્પદ પરવાનાવાળી એક રિવોલ્વર, 8 જીવતા અને 18 ખાલી કારતુસો જપ્ત કરાયા,
- પોલીસે 18 ખાલી કારતૂસોનો ક્યાં ઉપયોગ થયો હતો તેની તપાસ હાથ ધરી,
- પરવાનો બનાવટી જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે,
નવસારીઃ જિલ્લાના ચીખલી તાલુકામાં ભાજપના એક મહિલા નેતાના મકાનમાં સ્પેશિયલ ઓપરેશન ગૃપ (SOG) પોલીસે રેડ પાડીને શંકાસ્પદ પરવાનાવાળી એક લોડેડ રિવોલ્વર, 8 જીવતા અને 18 ખાલી કારતુસ સહિત કુલ 80,880 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે જાણવાજોગ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ બનાવની વિગત એવી છે કે, બાતમીના આધારે નવસારી SOG પોલીસે ભાજપના એક કથિત મહિલા નેતાના રહેણાંક મકાનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન 80,000 રૂપિયાની કિંમતની એક લોડેડ રિવોલ્વર મળી આવી હતી. આ રિવોલ્વરમાંથી 6 અને અન્ય 2 મળી કુલ 8 જીવતા કારતુસ તથા 18 ખાલી કારતુસ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. SOG પોલીસના મહિલા સ્ટાફ સહિત પાંચ જેટલા વાહનોમાં આવેલા અધિકારીઓએ સવારથી મોડી સાંજ સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન પરિવારના અન્ય સભ્યોના મોબાઈલ ફોન પણ કબજે લેવામાં આવ્યા હતા. ઘરમાં ત્રાહિત વ્યક્તિઓને પ્રવેશબંધી ફરમાવીને પોલીસે ઝીણવટભરી તપાસ કરી હતી.
પોલીસ સૂત્રો કહેવા મુજબ રેડ દરમિયાન કેટલાક બનાવટી ઓળખ કાર્ડ પણ મળ્યા હોવાનું કહેવાય છે, જોકે તેની ફરિયાદમાં નોંધ લેવાઈ નથી. પોલીસ દ્વારા હથિયારના પરવાનાની સઘન તપાસ, ખાલી કારતુસોનો ઉપયોગ ક્યાં થયો હતો અને તેના બિલ સહિતની બાબતોની તટસ્થ તપાસ કરવામાં આવશે. જો પરવાનો બનાવટી જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.