
સ્ટુડન્ટ વિઝા ઉપર પાકિસ્તાન ગયેલા જમ્મુ-કાશ્મીરના કેટલાક યુવાનો આતંકવાદી બનીને ફર્યાં પરતઃ પોલીસ એલર્ટ
દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે પોલીસ અને સુરક્ષા જવાનોએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના ઓછામાં ઓછા 57 જેટલા યુવાનો વર્ષ 2017 અને 2018માં ટુરિસ્ટ વિઝા અને સ્ટડી વિઝા ઉપર પાકિસ્તાન ગયા બાદ આતંકવાદી બની ગયા હોવાનો ચોંકાવનારો ખુલાસો જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે કર્યો હતો. એટલું જ નહીં કેટલાક યુવાનો આતંકવાદી બનીને હથિયારો સાથે પરત ફર્યાં હોવાનો પણ દાવો કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, 2017-2018માં લગભગ કેટલાક યુવાનો પાકિસ્તાન ગયા હતા. આવા 57 બનાવ સામે આવ્યાં છે. જેઓ અભ્યાસ અને ટુરિસ્ટ વિઝા ઉપર પાકિસ્તાન ગયા હતા. જ્યાં તેઓ વિવિધ આતંકવાદી સંગઠન સાથે જોડાયાં હતા. જે પૈકી 30 યુવાનો આતંકવાદી બનીને હથિયારો સાથે પરત ફર્યાં હતા. જે પૈકી 17ને પોલીસે ઠાર માર્યાં છે. જ્યારે અન્ય 13ને પોલીસ શોધી કરી છે. જ્યારે હજુ 17 યુવાનો પાકિસ્તાનમાં જ હોવાનું જાણવા મળે છે. પોલીસે હવે કાશ્મીરી યુવાનોને વિઝા આપીને પાકિસ્તાન મોકલવા મુદ્દે સખ્તાઈ શરૂ કરી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ફેબ્રુઆરીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામની પરવાનગી બાદ ઘુસણખોરી મોટાભાગે અટકી હતી. જો કે, હવે આતંકવાદીઓને સીમાપાસથી ધકેલવાની કોશિશ કરવામાં આવી રહી છે. લગભગ 250થી 300 આતંકવાદીઓ તાલીમ બાદ ભારતમાં ઘુસણખોરી કરવા માટે તૈયારી કરી રહ્યાં છે. રાજોરી પૂછમાં ત્રણ અથડામણ થઈ હતી. એક નૌશેરાના દાદલમાં, થનમંડી અને બાંદીપુરમાં અથડામણ થઈ હતી. આ અથડામણમાં ઘુસણખોરી કરીને આવેલા નવા જૂથ સાથે થઈ હોવાનું મનાઈ રહ્યું છે.