અમદાવાદ, 08 માર્ચ 2026: Gujarat’s dairy industry affected by 40 percent cut in gas supply ઈરાન સામે ઈઝરાઈલ અને અમેરિકાના યુદ્ધને લીધે ખાડીના દેશોમાંથી ગેસનો સપ્લાય અટકી જતા ગુજરાતમાં ડેરી સહિત ઉદ્યોગોને અપાતા ગેસના સપ્લાયમાં કાપ મુકવામાં આવ્યો છે. સરકાર દ્વારા ડેરી ઉદ્યોગને આપવામાં આવતા ગેસ સપ્લાયમાં 40 ટકા સુધી કાપ મૂકવાની મૌખિક સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયને કારણે ડેરી ઉદ્યોગના ઉત્પાદન પર સીધી અસર પડવાની શક્યતા છે.
ડેરી ઉદ્યોગના સૂત્રોના કહેવા મુજબ સરકાર દ્વારા ડેરી ઉદ્યોગોને તેમની જરૂરિયાત મુજબ 100 ટકા ગેસ સપ્લાય આપવામાં આવતો હતો પરંતુ, નવા નિર્ણય મુજબ હવે માત્ર 60 ટકા ગેસ જ નિશ્ચિત ભાવ પર આપવામાં આવશે. બાકી રહેલા 40 ટકા ગેસ માટે ડેરી સંસ્થાઓને નવા અને ઊંચા ભાવ ચૂકવવા પડશે. ડેરી ઉદ્યોગનું મોટાભાગનું પ્રોડક્શન સંપૂર્ણપણે ગેસ આધારિત હોવાથી ગેસ સપ્લાયમાં કાપ અને વધારાના ખર્ચના કારણે ઉત્પાદન ખર્ચ વધવાની શક્યતા છે. પરિણામે દૂધ તથા દૂધજન્ય ઉત્પાદનોના ઉત્પાદન પર અસર થવાની ચિંતા ઉદ્યોગ સાથે જોડાયેલા વર્તુળોમાં વ્યક્ત થઈ રહી છે. સરકારે ગેસ સપ્લાયમાં કરાયેલા આ ફેરફાર અંગે હાલ મૌખિક સૂચના આપી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઉદ્યોગકારોનું માનવું છે કે જો ગેસ સપ્લાયમાં ઘટાડો યથાવત્ રહેશે તો તેની સીધી અસર ડેરી ઉદ્યોગના પ્રોડક્શન અને ખર્ચ પર પડશે. લાંબો સમય આ સ્થિતિ રહેશે તો દૂધના ભાવમાં વધારો કરવાની ફરજ પડશે.


