નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: પ્રથમ જ્યોર્તિલિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજથી શરૂ થઈ રહેલા ‘સ્વાભિમાન પર્વ‘ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની સાંસ્કૃતિક અખંડિતતા અને સંઘર્ષની ગાથાને યાદ કરી છે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ભાવુક પોસ્ટ કરીને સોમનાથના પુનરોદ્ધાર અને રાષ્ટ્રની એકતા પર ભાર મૂક્યો છે.
આક્રમણો છતાં અડીખમ રહી આસ્થા
પ્રધાનમંત્રીએ ઇતિહાસના પાના ઉથલાવતા લખ્યું કે, “આજથી 1000 વર્ષ પહેલાં જાન્યુઆરી 1026માં સોમનાથ મંદિરે ઈતિહાસનું પ્રથમ આક્રમણ સહન કર્યું હતું. ત્યારબાદ અનેક હુમલાઓ થયા, પરંતુ તે આપણી શાશ્વત આસ્થાને ડગાવી શક્યા નહીં. તેના બદલે, દરેક આક્રમણ પછી ભારતની સાંસ્કૃતિક એકતાની ભાવના વધુ મજબૂત બની અને સોમનાથનો વારંવાર પુનરોદ્ધાર થતો રહ્યો.”
શૂરવીરો અને મહાપુરુષોને વંદન
PM મોદીએ આ અવસરને ભારત માતાના તે અસંખ્ય સપૂતોને યાદ કરવાનું પર્વ ગણાવ્યું જેમણે પોતાના સિદ્ધાંતો અને મૂલ્યો સાથે ક્યારેય સમાધાન કર્યું નથી. તેમણે સોમનાથના પુનઃનિર્માણમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી અને પૂર્વ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના ફાળાને વિશેષ રીતે યાદ કર્યો હતો.
જૂની યાદો તાજી કરી: અટલજી અને અડવાણીજી સાથેનો પ્રસંગ
પ્રધાનમંત્રીએ વર્ષ 2001માં સોમનાથ ખાતે યોજાયેલા કાર્યક્રમની તસવીરો પણ શેર કરી હતી. તેમણે જણાવ્યું કે, 2001માં જ્યારે મંદિરના પુનઃનિર્માણના 50 વર્ષ પૂર્ણ થયા ત્યારે તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીજી પણ હાજર રહ્યા હતા. હવે વર્ષ 2026માં આપણે તે ભવ્ય સમારોહના 75 વર્ષ પૂર્ણ થવાનું સ્મરણ કરી રહ્યા છીએ.
દેશવાસીઓને કરી ખાસ અપીલ
PM મોદીએ પોતાની જૂની સોમનાથ મુલાકાતની તસવીરો શેર કરવાની સાથે દેશવાસીઓને પણ વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, “જો તમે પણ સોમનાથની મુલાકાત લીધી હોય, તો તમારી તસવીરો હેશટેગ #SomnathSwabhimanParv સાથે જરૂર શેર કરો.”


