Site icon Revoi.in

ઉત્તર ગુજરાતમાં 2.17 લાખ હેકટરોમાં ઉનાળુ પાકની વાવણી પૂર્ણ, હજુ 50 ટકા વાવેતર બાકી

Social Share

ગાંધીનગર, 24 માર્ચ 2026: Sowing of summer crops completed in 2.17 lakh hectares in North Gujarat  ઉત્તર ગુજરાતમાં રવિ સીઝન પૂર્ણ થતાં ખેડૂતો ઉનાળું વાવેતરના કામમાં પરોવાયા છે.  ઉત્તર ગુજરાતમાં ઉનાળુ સીઝન માટે કુલ 4,28,164 હેક્ટરમાં વાવેતરનો અંદાજ રાખવામાં આવ્યો હતો. જેની સામે અત્યાર સુધીમાં 2,17,615 હેક્ટર વિસ્તારમાં વાવણીની પ્રક્રિયા આટોપી લેવામાં આવી છે, એટલે કે કુલ અંદાજના 50.83% વાવણી પૂર્ણ થઇ છે.

ઉત્તર ગુજરાતમાં વાવેતરમાં અરવલ્લી જિલ્લો મોખરે છે. વાવેતરના જે આંકડા મળ્યા છે જેમાં અરવલ્લી જિલ્લામાં 88.78% અને મહેસાણા જિલ્લામાં 87.04% વાવેતર પૂર્ણ થયુ છે. જોકે, સૌથી મોટો વાવેતર વિસ્તાર ધરાવતા બનાસકાંઠામાં હજુ સુધી માત્ર 35.77% (64,056 હેક્ટર) જ વાવણી નોંધાઈ છે, જે દર્શાવે છે કે આ જિલ્લામાં હજુ મોટાભાગની જમીન પર વાવેતર બાકી છે. મહેસાણામાં 44,977 હેક્ટરના લક્ષ્યાંક સામે 39,148 હેક્ટર (87.04%) વાવણી પૂર્ણ થઈ છે. અહીં પશુપાલન મુખ્ય વ્યવસાય હોવાથી સૌથી વધુ 23,655 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર થયું છે. ઉત્તર ગુજરાતમાં માત્ર મહેસાણામાં જ ડાંગર (347 હેક્ટર) નું વાવેતર નોંધાયું છે, જે અન્ય જિલ્લાઓમાં શૂન્ય છે. જ્યારે પાટણ જિલ્લામાં 27,491 હેક્ટરના લક્ષ્યાંક સામે 18,235 હેક્ટરમાં (66.33%) વાવેતર થયું છે. ખેડૂતોએ પશુધનને બચાવવા 11,045 હેક્ટરમાં ઘાસચારો વાવ્યો છે. 6,230 હેક્ટરમાં બાજરીનું વાવેતર નોંધાયું છે. તેમજ બનાસકાંઠા જિલ્લીમાં સૌથી વધુ 1,79,092 હેક્ટરનો લક્ષ્યાંક છે, જેની સામે અત્યાર સુધી માત્ર 64,056 હેક્ટર (35.77%) જ વાવેતર થયું છે. અહીં મગફળી (14,598 હેક્ટર) નું વાવેતર અન્ય જિલ્લાઓ કરતા અનેકગણું વધારે છે. બાજરી (24,296 હેક્ટર) અને ઘાસચારો (19,857 હેક્ટર) પણ મુખ્ય પાકોમાં છે. તથા વાવ-થરાદ જિલ્લામાં બાજરીનો સૌથી મોટો હબ આ પંથકમાં 1,28,664 હેક્ટરના લક્ષ્યાંક સામે 59,095 હેક્ટરમાં (45.93%) વાવણી થઈ છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ બાજરીનું વાવેતર (45,741 હેક્ટર) આ વિસ્તારમાં નોંધાયું છે. અહીં શાકભાજી (5 હેક્ટર) અને અન્ય પાકોનું પ્રમાણ નહિવત છે, ખેડૂતો માત્ર ટકાઉ પાકો પર નિર્ભર છે.

આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લામાં 30,662 હેક્ટરના લક્ષ્યાંક સામે 21,741 હેક્ટર (70.91%) વાવેતર સંપન્ન થયું છે. અહીં શાકભાજી (4,059 હેક્ટર) અને મકાઈ (1,124 હેક્ટર) નું વાવેતર અન્ય જિલ્લાઓ કરતા વધુ જોવા મળે છે. મગફળીનું 1,928 હેક્ટરમાં વાવેતર કરાયુ છે. તેમજ અરવલ્લી જિલ્લો ઉનાળુ વાવેતરમાં સૌથી આગળ છે. અહીં 17,278 હેક્ટરના લક્ષ્યાંક સામે 15,340 હેક્ટરમાં (88.78%) વાવેતર થઈ ગયું છે. ખેડૂતોએ સૌથી વધુ બાજરી (6,935 હેક્ટર) અને ઘાસચારા (4,706 હેક્ટર) પર ભાર મૂક્યો છે. અહીં મગ (584 હેક્ટર) અને શાકભાજી (2,065 હેક્ટર) નું પણ સપ્રમાણ વાવેતર જોવા મળે છે.

ઉત્તર ગુજરાતમાં કુલ વાવેતરમાં બાજરીનો હિસ્સો 44.36% અને ઘાસચારાનો હિસ્સો 36.66% છે. આનું મુખ્ય કારણ એ છે કે ઉનાળામાં પાણીની ખેંચ વચ્ચે આ પાકો ઓછા પાણીએ તૈયાર થાય છે અને પશુપાલકોને આર્થિક ટેકો પૂરો પાડે છે. શાકભાજીનું વાવેતર માત્ર 5.78% વિસ્તારમાં જ સીમિત રહ્યું છે.

Exit mobile version