Site icon Revoi.in

ગુજરાતમાં આજથી કાળા કાચ અને નંબર પ્લેટ વિનાના વાહનો સામે પોલીસની ખાસ ડ્રાઈવ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઘણા વાહનચાલકો આરટીઓના નિયમોનું પાલન કરતા નથી. કાર સહિત વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવી શકાતી નથી. તેમજ રોડ પર દોડતી ઘણીબધી કાર કે વાહનોમાં આગળ-પાછળ નંબર પ્લેટ પણ હોતી નથી. આવા વાહનચાલકો કે તેના માલિકા સામે કડક પગલાં ભરવા રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ દ્વારા આજથી 17 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં એક ખાસ ડ્રાઇવ શરૂ કરી નંબર પ્લેટ વગરની અને કાળા કાચ વાળા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ, નંબર પ્લેટ વગરના કાર સહિત વાહનો અને  બ્લેક ફિલ્મ લગાવેલા કાળા કાચવાળા વાહનો ઘણીવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હોય છે અને ગુનેગારોને ઓળખવામાં અવરોધરૂપ બને છે. જેથી ખાસ ડ્રાઇવનો આદેશ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો છે. નંબર પ્લેટ વગરના વાહનો કાયદાકીય રીતે માન્ય નથી, કારણ કે તેનાથી વાહન માલિકની ઓળખ થઈ શકતી નથી. તેવી જ રીતે, કાળા કાચવાળી ગાડીઓમાં અંદર બેઠેલા લોકો સરળતાથી જોઈ શકાતા નથી, જેના કારણે ગુનેગારો માટે આવી ગાડીઓ છૂપાવા માટેનું ઉત્તમ સાધન બની રહે છે. આ કારણોસર પોલીસ વિભાગે આવા વાહનોને શોધી કાઢવા અને નિયમોનું ઉલ્લંઘન કરનારા માલિકો સામે કડક કાનૂની પગલાં લેવા માટેનો નિર્ણય લીધો છે.

પોલીસ ડ્રાઇવ દરમિયાન રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો અને ટ્રાફિક પોલીસ વિભાગને સક્રિય થવા માટે સૂચના આપવામાં આવી છે. શહેરી વિસ્તારોથી માંડીને ગ્રામીણ વિસ્તારો સુધી, દરેક જગ્યાએ ખાસ ચેકિંગ પોઈન્ટ્સ ઊભા કરવામાં આવશે અને શંકાસ્પદ વાહનોની તપાસ કરવામાં આવશે.

પોલીસ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ તેમના વાહનો પર નિયમાનુસાર નંબર પ્લેટ લગાવે અને કાયદાનું પાલન કરે. જો કોઈ વાહન માલિક નિયમોનું ઉલ્લંઘન કરતો જણાશે, તો તેને દંડ અને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ લોકોમાં કાયદા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને રાજ્યમાં સુરક્ષાનું વાતાવરણ જાળવવાનો છે.