Site icon Revoi.in

અમદાવાદના સાબરમતીથી ગોરખપુર અને બેગુસરાય વચ્ચે 16મીથી ખાસ ટ્રેન દોડાવાશે

Social Share

અમદાવાદઃ દિવાળી પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં રોજગાર-ધંધા સાથે જોડાયેલા પરપ્રાંતના લોકો દિવાળી અને છઠ્ઠના પર્વની ઊજવણી માટે પોતાની માદરે વતન જઈ રહ્યા છે. હાલ ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી તમામ ટ્રેનો પ્રવાસીઓથી ફુલ ભરેલી દોડી રહી છે. તમામ ટ્રેનોમાં નો વેકન્સી જેવી સ્થિતિ છે. ત્યારે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે અમદાવાદના સાબરમતીથી ગોરખપુર અને બેગુસરાય વચ્ચે તા. 16મી ઓક્ટોબરથી ખાસ અનરિઝર્વ ટ્રેનો દોડાવાશે.

પશ્ચિમ રેલવે દ્વારા આગામી દિવાળી અને છઠ પૂજાના તહેવારો માટે મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી – ગોરખપુર અને સાબરમતી – બેગુસરાય વચ્ચે અન રિઝર્વ સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ટ્રેન નંબર 09429: સાબરમતીથી 16 ઑક્ટોબર 2025 થી 26 ઑક્ટોબર 2025 સુધી દર ગુરુવાર, શુક્રવાર અને રવિવારે સવારે 08:50 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેન બીજા દિવસે સવારે 10:00 વાગ્યે ગોરખપુર પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 09430: ગોરખપુરથી 17 ઑક્ટોબર 2025 થી 27 ઑક્ટોબર 2025 સુધી દર શુક્રવાર, શનિવાર અને સોમવારે બપોરે 13:00 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેન બીજા દિવસે બપોરે 15:30 વાગ્યે સાબરમતી પહોંચશે. માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુરોડ, મારવાડ જં., અજમેર, જયપુર, ગાંધી નગર જયપુર, દૌસા, બાંદીકુઈ જં., ભરતપુર, ઇદગાહ આગ્રા, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી, ઉન્નાવ, લખનૌ, બારાબંકી, ગોંડા, મનકાપુર અને બસ્તી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં તમામ અન રિઝર્વ શ્રેણીના કોચ રહેશે.

આ ઉપરાંત ટ્રેન નંબર 09431/09432 સાબરમતી – બેગુસરાય અન રિઝર્વ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. આ ટ્રેન સાબરમતીથી 14 ઑક્ટોબર 2025 થી 27 ઑક્ટોબર 2025 સુધી દરરોજ બપોરે 12:05 વાગ્યે પ્રસ્થાન કરશે. અને ટ્રેન ત્રીજા દિવસે સવારે 08:00 વાગ્યે બેગુસરાય પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 09432: બેગુસરાયથી 16 ઑક્ટોબર 2025 થી 29 ઑક્ટોબર 2025 સુધી દરરોજ બપોરે 12:00 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેન ત્રીજા દિવસે સવારે 05:00 વાગ્યે સાબરમતી પહોંચશે. માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડ જં., બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, દૌસા, બાંદીકુઈ જં., ભરતપુર, ઇદગાહ આગ્રા, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી, સુબેદારગંજ, મિર્ઝાપુર, પં. દીન દયાળ ઉપાધ્યાય જં., બક્સર, આરા, દાનાપુર, પાટલિપુત્ર જં., સોનપુર, હાજીપુર અને બરૌની જં. સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં તમામ અન રિઝર્વ શ્રેણીના કોચ રહેશે.