Site icon Revoi.in

અમદાવાદના નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્લેક્સનું 14મી સપ્ટેમ્બરે અમિત શાહના હસ્તે ઉદ્ધાટન

Social Share

અમદાવાદઃ શહેરના નારણપુરા ખાતે રૂપિયા 824 કરોડના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થઈ ગયું છે. જેનું આગામી તા, 14મી સપ્ટેમ્બરને રવિવારના રોજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. લોકોર્પણના ભવ્ય કાર્યક્રમની સાથે જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરમાં વર્ષ 2036માં ઓલમ્પિક અને 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ધૂમ  તૈયારીઓ ચાલી રહી છે, શહેરના નારણપુરા વિસ્તારમાં રૂપિયા 824 કરોડના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કોમનવેલ્થ ગેમ્સ, વર્લ્ડ પોલિસ એન્ડ ફાયર ગેમ્સ તથા ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ એક્સેલન્સ ફોરમ જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓએ મુલાકાત લીધી છે અને તેની ગુણવત્તા અને સુવિધાઓને માન્યતા આપી છે. એશિયન એકવાટીક ચેમ્પિયનશીપ અને વર્લ્ડ વેઈટલીફટીંગ ચેંપિયનશીપની ટુર્નામેન્ટ આ નવા બનેલા સ્પોર્ટ્સ ખાતે યોજશે. આમ વિવિધ અંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કમિટી દ્વારા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને સુવિધાઓ બાબતે માન્યતા આપવામાં આવી ચૂકી છે. આ ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને 2036ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ આગામી તા. 14મી સપ્ટેમ્બરને રવિવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહના કરાશે.

શહેરના નારણપુરા વિસ્તારમાં નિર્માણ થયેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનો ત્રણ વર્ષ પહેલા એટલે કે, 29 મે 2022ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના હસ્તે શિલાન્યાસ થયો હતો. આધુનિક ટેકનોલોજી, વૈશ્વિક નોર્મ્સ અને જુદા જુદા ગેમ્સના ફેડરેશન દ્વારા કરવામાં આવેલા સૂચનો અને ભલામણોના આધારે લગભગ 1.18 ચો.મી.ના બિલ્ટઅપ એરિયા સાથે ડિઝાઈન કરી અને રૂ. 824 કરોડના અંદાજીત ખર્ચે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવામાં આવ્યું છે. નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને 6 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં એક્વાટિક સ્ટેડિયમ, સેન્ટર ફોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઈન્ડોર સ્પોર્ટ્સ એરેના અને કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર નામના અલગ અલગ 4 બ્લોક બનાવવામાં આવ્યા છે. એમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો ડાઈવિંગ પૂલ, સ્વિમિંગ પૂલ, બાસ્કેટબોલ, વોલીબોલ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, રેસલિંગ કોર્ટ, ટેનિસ, ટેબલ ટેનિસ, ઝુડો-કરાટે, કબડ્ડી, કેરમ, ચેસ, સ્નૂકર સહિતની વિવિધ પ્રકારની આંતરરાષ્ટ્રીય રમતો રમી શકાય એવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.