1. Home
  2. ગુજરાતી
  3. સ્પોર્ટસ ડેઃ ભારતના મોટાભાગના ક્રિકેટ સ્ટેડિયમના નામ રાજકીય આગેવાનોના નામ ઉપર
સ્પોર્ટસ ડેઃ ભારતના મોટાભાગના ક્રિકેટ સ્ટેડિયમના નામ રાજકીય આગેવાનોના નામ ઉપર

સ્પોર્ટસ ડેઃ ભારતના મોટાભાગના ક્રિકેટ સ્ટેડિયમના નામ રાજકીય આગેવાનોના નામ ઉપર

0
Social Share

નવી દિલ્હીઃ ભારત આજે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરી રહ્યું છે. મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની આજે 117મી જન્મજયંતિ છે. આ દિવસ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવવામાં આવે છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વીડિયો દ્વારા ખાસ સંદેશ આપીને લોકોને અને ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે. આ સાથે એથ્લેટ્સને આગળ પણ તેમનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખવા માટે કહેવામાં આવ્યું છે. પરંતુ ચોંકાવનારી બાબત છે કે, ભારતમાં જેટલા પણ ક્રિકેટ સ્ટેડિયમ છે તેમાંથી મોટાભાગના નામ રાજકીય મહાનુભાવોના નામે છે. ખેલાડીઓના નામે જ ભાગ્યે જ કોઈ સ્ટેડિયમનું નામ જોવા મળશે. ગયા વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલીને મેજર ધ્યાનચંદના નામ પર રાખ્યું હતું. ત્યારથી દેશભરમાં રાજકારણીઓના નામ પરથી સ્ટેડિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ટુર્નામેન્ટના નામ બદલવાની માંગ ઉઠી છે. વાસ્તવમાં, દેશના મોટાભાગના સ્ટેડિયમ નેતાઓના નામ પર છે.

દેશની સૌથી લોકપ્રિય રમત ક્રિકેટમાં એક પણ મોટા સ્ટેડિયમનું નામ કોઈ ક્રિકેટરના નામ પર નથી. દેશમાં કુલ 52 ક્રિકેટ સ્ટેડિયમ છે, જેમાંથી મોટા ભાગના રાજકારણીઓના નામ પર છે. આટલું જ નહીં, ગાયકો, અધિકારીઓ અને બ્રિટિશ રાજના અધિકારીઓના નામ પર સ્ટેડિયમના નામ છે, પરંતુ કોઈ ક્રિકેટરનું નામ કોઈ મોટું સ્ટેડિયમ નથી. હાલમાં દેશમાં ક્રિકેટ સ્ટેડિયમોમાં, આંતરરાષ્ટ્રીય અથવા પ્રથમ વર્ગની મેચોમાં ઉપયોગમાં લેવાતા કોઈપણ મેદાનને ક્રિકેટરનું નામ આપવામાં આવ્યું નથી. જો કે, રાજકારણીઓ, પ્રશાસકો, ગાયકોના નામ પર સ્ટેડિયમ છે. બે ક્રિકેટ સ્ટેડિયમનું નામ હોકી ખેલાડીઓના નામ પર રાખવામાં આવ્યું છે.

પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના નામ પર નવ સ્ટેડિયમ છે. તેમાંથી આઠ દિલ્હી, ચેન્નાઈ, કોચી, ઈન્દોર, ગુવાહાટી, માર્ગો, પુણે અને ગાઝિયાબાદ જેવા શહેરોમાં છે. આમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટ મેચો પણ યોજાઈ છે. ચેન્નાઈમાં એક પણ સ્ટેડિયમ નેહરુના નામ પર રાખવામાં આવ્યું છે, પરંતુ લાંબા સમયથી અહીં મેચ રમાઈ ન હતી. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના નામ ઉપર 3 સ્ટેડિયમ છે. જેમાંથી બે આંધ્રપ્રદેશ અને એક મહારાષ્ટ્રમાં છે.પરંતુ લાંબા સમયથી અહીં એક પણ મેચ નથી રમાઈ, રાજીવ ગાંધીના નામે બે સ્ટેડિયમમાં છે એક હૈદરાબાદ અને દહેરાદૂનમાં આવેલું છે.

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર હિમાચલ પ્રદેશના નાદૌન અને ઉત્તર પ્રદેશના લખનૌમાં સ્ટેડિયમ છે. ગુજરાતમાં વલસાડ અને અમદાવાદમાં પણ સરદાર પટેલના નામ પરથી સ્ટેડિયમ બનાવવામાં આવ્યા છે. જોકે, અમદાવાદના સ્ટેડિયમનું નામ ગત વર્ષે નરેન્દ્ર મોદીના નામ પર રાખવામાં આવ્યું છે. દિલ્હીના ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનું નામ પણ ભાજપના દિવંગત નેતા અરુણ જેટલીના નામ પર રાખવામાં આવ્યું છે.

કોઝિકોડના ઇએમએસ સ્ટેડિયમનું નામ કેરળના સામ્યવાદી નેતા અને રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ઇએમએસ નંબૂદિરીપદના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ સિવાય વિશાખાપટ્ટનમમાં એક ક્રિકેટ ગ્રાઉન્ડનું નામ કોંગ્રેસના પૂર્વ નેતા વાયએસ રાજશેખર રેડ્ડીના નામ પર રાખવામાં આવ્યું છે. ગુજરાતના રાજકોટમાં એક સ્ટેડિયમનું નામ પણ કોંગ્રેસના નેતા માધવરાવ સિંધિયાના નામ પરથી રાખવામાં આવ્યું છે. દેશમાં ચાર સ્ટેડિયમ એવા પણ છે, જેનું નામ BCCI અથવા રાજ્ય ક્રિકેટ બોર્ડના પ્રમુખોના નામ પરથી રાખવામાં આવ્યું છે. આમાંથી એક ચેન્નાઈનું એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ છે, જ્યારે બીજું બેંગલુરુનું ચિન્નાસ્વામી સ્ટેડિયમ છે. મુંબઈના વાનખેડે અને મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમનું નામ બોર્ડના ભૂતપૂર્વ પ્રમુખોના નામ પરથી રાખવામાં આવ્યું છે.

સ્ટેડિયમના નામ માત્ર રાજકારણીઓના નામ પર જ નહીં, પરંતુ ગાયકો ઉપરાંત બ્રિટિશ અધિકારીઓ અને તેમના સંબંધીઓના નામ પરથી પણ રાખવામાં આવ્યા છે. કોલકાતાના ક્રિકેટ સ્ટેડિયમને બે બહેનો એમિલી અને ફેની ઈડન, ભારતના ભૂતપૂર્વ ગવર્નર જનરલ લોર્ડ ઓકલેન્ડના નામ પરથી ‘ઈડન ગાર્ડન્સ’ નામ આપવામાં આવ્યું હતું. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમનું નામ બોમ્બેના ગવર્નર લોર્ડ બ્રેબોર્નના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આસામના ગુવાહાટીના ક્રિકેટ સ્ટેડિયમનું નામ ભૂપેન હજારિકાના નામ પરથી રાખવામાં આવ્યું હતું. દેશમાં ક્રિકેટરોના નામ પર કોઈ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું નામ નથી, પરંતુ ટીમ ઈન્ડિયા બે હોકી દિગ્ગજોના નામવાળા મેદાનમાં રમવા ચોક્કસ ઉતરી છે. તેમાંથી એક લખનૌનું કેડી બાબુ સિંહ સ્ટેડિયમ છે અને બીજું કેપ્ટન રૂપ સિંહ સ્ટેડિયમ છે, જ્યાં સચિન તેંડુલકર આંતરરાષ્ટ્રીય ODIમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો છે.

(Photo-File)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code