1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદ IPLનું હેડક્વાર્ટર રહેશે, ફાઇનલ સહિત 12 મેચો રમાશે
અમદાવાદ IPLનું હેડક્વાર્ટર રહેશે, ફાઇનલ સહિત 12 મેચો રમાશે

અમદાવાદ IPLનું હેડક્વાર્ટર રહેશે, ફાઇનલ સહિત 12 મેચો રમાશે

0
Social Share
  • આ વર્ષે અમદાવાદ IPLનું હેડક્વાર્ટર રહેશે
  • ફાઇનલ સહિત 12 મેચો અમદાવાદમાં યોજાશે
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર 8 લીગ મેચો ઉપરાંત તમામ ત્રણ ક્વોલિફાયર અને ફાઇનલ મેચ રમાશે

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ બોર્ડે આ વર્ષની IPLનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આગામી 9 એપ્રિલથી શરૂ થનારી IPLની ફાઇનલ 30 મેના રોજ રમાશે. કોલકાતા તેમજ મુંબઇની જગ્યાએ હવે અમદાવાદ ભારતીય ક્રિકેટનું હેડ ક્વાર્ટર બનતું જતું હોય તેમ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર 8 લીગ મેચો ઉપરાંત તમામ ત્રણ ક્વોલિફાયર અને ફાઇનલ મેચ રમાશે. 9 એપ્રિલે વર્તમાન ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચેન્નાઇમાં IPLની આ 14મી સિઝનની સૌ પ્રથમ મેચ યોજાશે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે, IPLની શરૂની મેચો કોરોના સામે તકેદારીના ભાગરૂપે પ્રેક્ષકો વગર રમાશે પરંતુ જેમ જેમ ટુર્નામેન્ટ આગળ ધપશે તેમ તેમ તમામ કેન્દ્રોની કોરોનાની પરસ્થિતિ પર નજર રાખી સમીક્ષા કરવામાં આવશે અને પ્રેક્ષકોને કેટલા અને પ્રવેશ આપવાનું શરૂ કરવું કે કેમ તે નિર્ણય લેવામાં આવશે.

2020માં ભારતમાં કોરોનાની પ્રતિકૂળ પરિસ્થિતિ પ્રવર્તતી હતી એટલે યુએઈમાં આઈપીએલ યોજાઈ હતી પણ આ વખતે વાતાવરણ હાલ સુધરી રહ્યું હોઈ બોર્ડ ભારતમાં જ આઈપીએલ યોજવા મક્કમ બન્યું છે. આઈપીએલનો સંપૂર્ણ કાર્યક્રમ એ રીતે બનાવાયો છે કે ભાગ લેતી આઠ ટીમને ત્રણ જ વખત પ્રવાસ કરવો પડશે.

આ વખતે કુલ 56 ગ્રૂપ મેચો યોજાશે. તે પછી નોક આઉટ રમાશે. 6 સેન્ટરોમાં IPL રમાનાર છે તેમાં દિલ્હી, અમદાવાદ, બેંગ્લોર, કોલકાતા, ચેન્નાઇ અને મુંબઇનો સમાવેશ થાય છે. આ તમામ સ્ટેડિયમોમાં અમદાવાદનું સ્ટેડિયમ 1,10,000 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવે છે અને વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ હોય આ વખતની IPL રેકોર્ડ સંખ્યામાં પ્રેક્ષકો નિહાળશે.

કુલ 56 ગ્રૂપ મેચોમાં 11 દિવસો એવા હશે જેમાં 1 જ દિવસમાં બે મેચો રમાશે. તે દિવસે એક મેચ બપોરે 3.30 થી અને બીજી મેચ સાંજે 7.30થી રમાશે. પ્રત્યેક ટીમ ચાર શહેરોના સ્ટેડિયમ પર મેચ રમશે. ચેન્નાઇ, મુંબઇ, કોલકાતા અને બેંગ્લુરુ 10-10 મેચ જ્યારે અમદાવાદ અને દિલ્હીમાં 8-8 મેચો યોજાશે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code