Site icon Revoi.in

રાજકોટમાં પોલીસ કમિશનર કચેરીમાં SRP જવાને રાયફલથી ગોળી મારી કર્યો આપઘાત

Social Share

રાજકોટઃ શહેરમાં પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા SRP જવાન ગજુભા જિલુભા રાઠોડે (ઉં.વ.50)  ફરજ દરમિયાન મધરાત બાદ 3 વાગ્યે પોતાની સર્વિસ રાઇફલથી છાતીમાં ગોળી મારી આપઘાત કરતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસ કમિશનર કચેરીના ગેટ નંબર ત્રણ પાસે મોડીરાતે બનાવ બન્યો હતો. SRP જવાને પોતાની સર્વિસ રિવોલ્વરથી છાતીમાં ગળી મારતા ગંભીરરીતે ઘવાયેલા જવાનને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. SRP જવાને કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે પ્રદ્યુમનનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરમાં પોલીસ કમિશનર કચેરીમાં ગેટ નંબર-3 પાસે ફરજ દરમિયાન SRP જવાન ગજુભા રાઠોડે પોતાની સર્વિસ રિવોલ્વરથી છાતીમાં ગોળી મારી હતી. રિવોલ્વરના ધડાકાનો અવાજ સાંભાળીને આજુબાજુ ફરજ બજાવતા જવાનો દોડી આવ્યા હતા. અને ગંભીરરીતે ઘવાયેલા SRP જવાન ગજુભાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યા હતા. આ મામલે ગજુભા રાઠોડ સાથે ફરજ બજાવતા SRP જવાને કહ્યું કે, તેમની નાઇટ ડ્યુટી હતી. સાંજે 7 વાગ્યાથી બીજા દિવસે સવારે 7 વાગ્યા સુધીની ડ્યુટી હોય છે. તેમના અચાનક આપઘાતથી અન્ય જવાનો પણ સ્તબ્ધ થઈ ગયા છે. આ બનાવની જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસની ટીમ તપાસ માટે પોલીસ કમિશનર કચેરી પહોંચી હતી. અને જે રાઇફલથી SRP જવાને આત્મહત્યા કરી તે FSLની ટીમ દ્વારા કબજે લેવામાં આવી છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ મૃતક ગજુભા રાઠોડ મૂળ કચ્છના મોડા રાપર ગામના વતની છે. તેમને સંતાનમાં બે દીકરી છે, જેમાંથી એક દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે. SRP ગ્રુપ 13 Cમાં ફરજ બજાવતા હતા. છેલ્લા ચાર મહિનાથી ગજુભા રાઠોડ પોલીસ કમિશનર કચેરીમાં એસઆરપી તરીકે ફરજ બજાવતા હતા. જે અગાઉ તેઓ માલવિયાનગર પોલીસમથકમાં PCR વાનમાં ફરજમાં હતા. જે બાદ 112 જનરક્ષક આવતા તેમાં તેમની ફરજ હતી.  કયા કારણોથી તેમને આપઘાત કર્યો છે તે હજુ સામે આવ્યું નથી. તેમના પરિવારજનો પણ આ અંગે હાલ કંઈ બોલી રહ્યા નથી. આપઘાતનું કારણ જાણવા માટે પ્રદ્યુમનનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version