Site icon Revoi.in

સુરતમાં ધો. 8ની વિદ્યાર્થિનીએ આપઘાત કરતા પરિવારજનોએ શાળા સામે આક્ષેપ કર્યો

Social Share

સુરત :  શહેરમાં ધોરણ 8માં ભણતી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લેતા તેના પરિવારજનોએ શાળા પર આક્ષેપ કર્યો છે.  8માં ધોરણમાં વિદ્યાર્થીની આદર્શ પબ્લિક સ્કુલમાં અભ્યાસ કરતી હતી. ફી ન ભરવાના કારણે શાળા દ્વારા તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીને બે  દિવસ શાળા સંચાલકોએ ટોયલેટ પાસે ઉભી રાખી હતી. ફી માટે દબાણ કરાતા વિદ્યાર્થિનીએ આત્મહત્યા કર્યાનો આરોપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થિનીની આત્મહત્યાના પગલે પરિવાર શોકમાં છે. તો બીજી તરફ, ગોડાદરા પોલીસે કેસની તપાસ શરૂ કરી છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી ધોરણ 8ની વિદ્યાર્થિનીએ પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ હતી. શહેરના ગોડાદરા વિસ્તારમાં જ આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની ફી બાકી હોવાથી સ્કૂલના શિક્ષકે ઈન્ટર્નલ પરીક્ષામાં બેસવા દીધી ન હતી અને આખો દિવસ ક્લાસ બહાર ઊભી રાખી હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે. સ્કૂલમાં કરાયેલી સજાના કારણે વિદ્યાર્થિની ગભરાઈ ગઈ હતી અને સ્કૂલે જવાનો ઈન્કાર કરતી હતી. તેના માતા-પિતા કામઅર્થે બહાર હતા, ત્યારે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થિનીના વાલી દ્વારા સ્કૂલ સંચાલકો સામે ગંભીર આક્ષેપ કરાતા શિક્ષણ વિભાગ દ્વારા અને આપઘાત મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મૃતક વિદ્યાર્થિનીના પિતા રાજુ ખટીકે કહ્યું હતું કે, ઉત્તરાયણ પહેલા મારી દીકરીની પરીક્ષા હતી તો સ્કૂલે પરીક્ષા આપવા દીધી ન હતી. સ્કૂલમાં તેને ક્લાસની બહાર ઊભી રાખવામાં આવી હતી. ઘરે આવીને રડવા લાગી હતી. મેં ફોન કર્યો તો મને કહ્યું કે, તમારી ફી ભરવાની બાકી છે. જેથી મેં આવતા મહિને ફી ભરવા માટે કહ્યું હતું. ત્યારબાદ દીકરી સ્કૂલે જવાની ના પાડતી હતી અને બાદમાં તેને ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે.

 

 

 

Exit mobile version