- સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં બન્યો બનાવ,
- ફાયર બ્રિગેડે લેડરની મદદથી 19 રહિશોને નીચે ઉતાર્યા,
- વીજળીના વાયરોની અડચણને લીધે હાઈડ્રોલિક પ્લેટફોર્મથી રેસ્ક્યુ શક્ય ન બન્યુ,
સુરતઃ શહેરના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલી સરસ્વતી પાર્ક ટાઉનશીપમાં ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળની રહેણાંક બિલ્ડિંગનો મુખ્ય દાદર ધકાડા સાથે તૂટી પડતા ફ્લેટ્સમાં રહેતા 19 લોકો ફસાયા હતા. આ બનાવથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. કોલ મળતા જ ફાયર બ્રિગેડના જવાનોએ દોડી આવીને ઝડપી કામગીરી કરીને લેડરની મદદથી 19 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
આ બનાવની વિગત એવી છે કે, શુરત શહેરના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલી સરસ્વતી પાર્ક ટાઉનશીપમાં ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળની રહેણાંક બિલ્ડિંગનો મુખ્ય દાદર ધકાડા સાથે તૂટી પડતા ફ્લેટ્સમાં રહેતા 19 લોકો ફસાયા હતા. ઘટનાની જાણ થતાં જ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળવાનો એક માત્ર માર્ગ બંધ થઈ જતાં ફસાયેલા લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. સૂચના મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને નજીકના ત્રણ ફાયર સ્ટેશનથી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
ફાયર વિભાગે કોઈપણ સમય બગાડ્યા વિના રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી દીધી હતી. બિલ્ડિંગની ઊંચાઈ અને ફસાયેલા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર જવાનોએ લેડર (સીડી)નો ઉપયોગ કરી લોકોને બહાર કાઢવા ઓપરેશન હાથ ધર્યું હતું. આ રેસ્ક્યૂ ઓપરેશનમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સહિત એપાર્ટમેન્ટમાં હાજર તમામ લોકોને એક પછી એક લેડરથી હેમખેમ નીચે ઉતારવામાં આવ્યા હતા. ફાયર વિભાગ કુલ 19 લોકોને સહી-સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. આ બનાવમાં સદનસીબે આ મોટી દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. બિલ્ડિંગની દાદર તૂટી પડવાની ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ બિલ્ડિંગની ગુણવત્તા અને મેઇન્ટેનન્સ અંગે સવાલો ઊભા થાય છે. તંત્ર દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી શકે છે.
આ બનાવ અંગે ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, પાલનપુર જકાતનાકા પાસે આવેલી સરસ્વતી પાર્ક ટાઉનશીપમાં દાદર તૂટી જવાનો કોલ ફાયર કંટ્રોલને મળ્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈને ફાયર કંટ્રોલ દ્વારા અડાજણ, મોરાભાગલ અને પાલનપુરની ટીમને કોલ આપવામાં આવ્યો હતો. માણસો ફસાયા હોય એવો મેસેજ હોય, હાઈડ્રોલિંક પ્લેટફોર્મ રવાના કરવામાં આવી હતી. પણ દૂર્ઘટના સર્જાઈ તે સ્થળે GEBના વાયર અડચણરૂપ હોવાથી હાઈડ્રોલિક પ્લેટફોર્મથી રેસ્ક્યૂ શક્ય ન બનતા મેન્યૂઅલી લેડર્સ લગાવીને ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની બિલ્ડિંગ છે એના બીજા બ્લોકમાંથી 11 માણસોને ઉતારવામાં આવ્યા હતા. બિલ્ડિંગના પાછળના ભાગથી અને આગળના ભાગેથી આઠ માણસો મળીને કુલ 19 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. બિલ્ડિંગના એના માટે અમે ઝોનમાંથી ડેપ્યુટી એન્જિનિયરને ઘટનાસ્થળે બોલાવી લીધા હતા.

