- ગાંધીનગર શહેર-જિલ્લામાં 10,507 દસ્તાવેજોની નોંધણી થઈ
- સુચિત નવી જંત્રીની અમલવારીના ભયને લીધે દસ્તાવેજ કરાવનારાની સંખ્યામાં વધારો,
- જિલ્લામાં દહેગામ, માણસા અને કલોલમાં સૌથી વધુ દસ્તાવેજો થયાં
ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં માર્ચ મહિનામાં મકાનોનું ખરીદ-વેચાણ વધુ થતાં સરકારને સ્ટેમ્પ ડ્યુટીની સારીએવી આવક થઈ હતી. નાણાકીય વર્ષના અંતિમ મહિના માર્ચમાં મિલકતોના દસ્તાવેજોની નોંધણી માટે ભારે ધસારો જોવા મળ્યો હતો. માત્ર માર્ચમાં જ ગાંધીનગર જિલ્લામાં 10,507 દસ્તાવેજો નોંધાયા હતા. જ્યારે આ એક જ મહિનામાં સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી પેટે સરકારને 127.30 કરોડ રૂપિયાની આવક થઇ છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રીયલ એસ્ટેટ સેક્ટરમાં મંદીનો માહોલ છે. ત્યારે પાટનગર ગાંધીનગર અને જિલ્લામાં મકાનોની અને જમીનોના ખરીદ-વેચાણમાં વધારો થયો હતો. નાણાકીય વર્ષના અંતિમ મહિના માર્ચમાં મિલકતોના દસ્તાવેજોની નોંધણી માટે ભારે ધસારો જોવા મળ્યો હતો. માત્ર માર્ચમાં જ ગાંધીનગર જિલ્લામાં 10,507 દસ્તાવેજો નોંધાયા હતા. જ્યારે આ એક જ મહિનામાં સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી પેટે સરકારને 127.30 કરોડ રૂપિયાની આવક થઇ છે. એકતરફ ગાંધીનગરમાં રીઅલ એસ્ટેટ સેક્ટરમાં મંદીનો માહોલ ચાલી રહ્યો હોવાનું કહેવાય છે. તો બીજીતરફ ગાંધીનગરમાં મિલકતોના દસ્તાવેજોની સંખ્યામાં વધારો થતો જાય છે.
રાજ્ય સરકારે નવી જંત્રીના સૂચિત દરો જાહેર કર્યા બાદ તેનો વિરોધ થયો હતો. પરંતુ એપ્રિલથી નવી જંત્રીના અમલ અંગેની અનિશ્ચિતતાઓના પગલે જંત્રી લાગુ થાય અને સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો થાય તે પહેલા છેલ્લા બે ચાર મહિનામાં થયેલા સોદામાં નાણાકીય વ્યવહાર પૂર્ણ કરીને માર્ચમાં દસ્તાવેજ નોંધાવી લેવાની ગણતરી સાથે વ્યવહારો થયા હતા. જેના પગલે માર્ચમાં દસ્તાવેજ નોંધણીમાં ભારે ધસારો જોવા મળ્યો હતો.
ગાંધીનગરના ત્રણેય ઝોનની ત્રણ સબ રજિસ્ટ્રાર કચેરી ઉપરાંત દહેગામ, માણસા અને કલોલમાં પણ નોંધપાત્ર સંખ્યામાં દસ્તાવેજો નોંધાયા હતા. જિલ્લામાં માર્ચમાં કુલ 10,507 દસ્તાવેજોની નોંધણી થઇ હતી. જેથી સરકારને આ મહિનામાં જ સ્ટેમ્પ ડ્યુટી પેટે 110 કરોડ રૂપિયા અને રજિસ્ટ્રેશન ફી પેટે 17.30 કરોડ રૂપિયાની આવક થઇ છે. અગાઉના મહિનામાં સરેરાશ 8 હજારથી 8500 જેટલા દસ્તાવેજોની સરખામણીએ માર્ચમાં બેથી અઢી હજાર દસ્તાવેજો વધારે નોંધાયા હતા.