1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યની પ્રજાને રાષ્ટ્ર વિકાસ માટે સમર્પિત બનવા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીનું આહવાન
રાજ્યની પ્રજાને રાષ્ટ્ર વિકાસ માટે સમર્પિત બનવા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીનું આહવાન

રાજ્યની પ્રજાને રાષ્ટ્ર વિકાસ માટે સમર્પિત બનવા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીનું આહવાન

0
Social Share

અમદાવાદઃ રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપભાઇ પરમારે ઐતિહાસિક ડભોઇ નગર ખાતે 76 માં સ્વતંત્રતા પર્વ પ્રસંગે ત્રિરંગો રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને, ભારત માતાની આન, બાન અને શાન સમા ત્રિરંગાને આદર સલામી આપી હતી. તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને વડોદરા શહેર જિલ્લાના લોકોને આઝાદી પર્વની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે આઝાદીના જંગમાં માં ભારતીની મુક્તિ માટે બલિદાન આપનારા સેનાનીઓ અને તે પછી દેશની રક્ષા માટે શહીદ થનારા શૂરવીરોને હાર્દિક અંજલિ આપી હતી.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે ત્યારે ચાલો આપણે સૌ રાષ્ટ્ર વિકાસ માટે સમર્પિત બનીએ એવું આહવાન કરતાં મંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી ભારતીયોની ક્ષમતા અને કૌશલ્યોના સંવર્ધન માટે સંકલ્પબદ્ધ છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના મજબૂત નેતૃત્વ હેઠળ ગુજરાત રાષ્ટ્ર વિકાસમાં અમૂલ્ય યોગદાન આપી રહ્યું છે.

આત્મ નિર્ભર ગુજરાત થી આત્મ નિર્ભર ભારત એ રાજ્ય સરકારનો સંકલ્પ છે. ગુજરાત સરકારનું લક્ષ્ય છેવાડાના માનવીનું કલ્યાણ છે. દેશમાં સૌથી વધુ મૂડીરોકાણ ગુજરાતમાં થઈ રહ્યું છે તેવી લાગણી વ્યક્ત કરી હતી. તેમણે રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને શાંતિ સલામતીની જાળવણી માટે પોલીસ કર્મયોગીઓને હૃદયથી બિરદાવ્યા હતા.

ડભોઈને ઐતિહાસિક પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જાણકારી આપતા તેમણે ઉમેર્યું કે વડોદરા જિલ્લામાં ધાર્મિક ઐતિહાસિક સ્થળોમાં પ્રવાસન સુવિધાઓના વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે ડભોઇને ભક્ત દયારામની નગરી તરીકે ઓળખાવી તેના અમૂલ્ય સાંસ્કૃતિક ઐતિહાસિક વારસાનો સગર્વ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રીની તાજેતરની વડોદરાની મુલાકાત રૂ. 21 હજાર કરોડના વિકાસ કામોની સૌગાદ બની રહી. વડોદરા જિલ્લામાં 5.87 લાખથી વધુ લોકો આયુષ્માન કાર્ડ થી આરોગ્ય રક્ષા કવચનો લાભ લઈ રહ્યાં છે. કેશ ક્રેડીટ કેમ્પો દ્વારા મહિલા સ્વ સહાયતા જૂથોને ૩૨૨ લાખનું ધિરાણ તેમને આત્મ નિર્ભરતા તરફ લઈ જશે.

તેમણે ઉત્તમ કામગીરી માટે વિવિધ સરકારી વિભાગોના કર્મયોગીઓને પ્રમાણપત્ર પ્રદાન કરીને સન્માન્યા હતા અને સ્થાનિક ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાથે આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં મેઘાણી સવા શતાબ્દીના ભાગરૂપે મેઘાણી સાહિત્ય કોર્નરનું લોકાર્પણ કર્યું હતું. સૌ મહાનુભાવોએ કોલેજ પ્રાંગણમાં છોડવા રોપ્યા હતા. રૂ.712 લાખથી વધુ રકમના વિકાસ કામોની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code