
સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે ઈ-સિટી બનશેઃ માત્ર બેટરીથી ચાલતા વાહનોને જ પ્રાથમિક્તા અપાશે
વડોદરાઃ કેવડિયા કોલોની નજીક બનાવાયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે દેશ-વિદેશના અનેક લોકો આવી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ પર્યટન ક્ષેત્રનો સારોએવો વિકાસ કરવામાં આવ્યો છે. હવે કેવડિયાને ઈલેક્ટ્રિક વ્હિકલ સિટી તરીકે વિક્સાવવાની જાહેરાત કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા જિલ્લાના કેવડિયાને ઈલેક્ટ્રિક વ્હીકલ સિટી તરીકે વિકસાવવાની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે કેવડિયા ખાતે સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. તેઓ જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા તે સમયથી જ આ પ્રતિમાના નિર્માણનો પાયો નાંખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઘનઘોર જંગલો અને પ્રાકૃત્તિક સુંદરતાથી ભરપૂર નર્મદા જિલ્લો પ્રવાસીઓની યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે. શહેરના જીવનથી કંટાળેલા લોકો શાંતિની શોધમાં થોડા દિવસ નર્મદાની મુલાકાતે જતા હોય છે.
જિલ્લાનું વાતાવરણ પ્રદુષણ રહિત રહે અને તેની હરિયાળી જળવાઈ રહે તે માટે ત્યાં મોટા ઉદ્યોગો ન સ્થાપવાનો નિર્ણય અગાઉ લીધો હતો. તાજેતરમાં જ કેવડિયા ખાતે દેશના પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા પછી માત્ર ગુજરાત અને ભારત જ નહીં, પરંતુ દેશ વિદેશથી લોકો અહીં આવતા હોય છે. આ સમગ્ર વિસ્તારમાં પર્યાવરણની જાળવણી થઈ શકે તે માટે નરેન્દ્ર મોદીએ તેને ઈ-સિટી તરીકે વિકસાવવાની જાહેરાત કરી છે. ભવિષ્યમાં કેવડિયાની મુલાકાત લેશો તો તમને ત્યાં બેટરી સંચાલિત બસો, ટુ-વ્હીલર અને ફોર વ્હીલર જ જોવા મળશે. વડાપ્રધાન મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, આ કામ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવશે.