
ઓડિશામાં રાઉરકેલા-પુરી વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારો, એક્ઝિક્યુટિવ ક્લાસની બારીના કાચ તૂટ્યાં
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી વંદે ભારત ટ્રેન અને અન્ય સુપરફાસ્ટ ટ્રેન ઉપર પથ્થરમારાની ઘટનામાં વધારો થયો છે. આવી ઘટના અટકાવવા માટે રેલવે વિભાગ દ્વારા કવાયત શરુ કરવામાં આવી છે. દરમિયાન ઓડિશામાં રાઉરકેલા-પુરી વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારાની ઘટના બની હતી. જેથી રેલવે વિભાગ હરકતમાં આવ્યું હતું. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઓડિશામાં રાઉરકેલા-પુરી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. ઈસ્ટ કોસ્ટ રેલવેના જણાવ્યા અનુસાર ધેંકનાલ-અંગુલ રેલ્વે સેક્શનમાં મેરામમંડલી અને બુધપંક સ્ટેશન વચ્ચે આ ઘટના બની હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિની સર્જાઈ ન હતી. ટ્રેન નંબર 20835 વંદે ભારત એક્સપ્રેસને ભુવનેશ્વર-સંબલપુર રેલવે લાઇન પર કેટલાક અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. રેલવે અધિકારીએ જણાવ્યું કે, આ ઘટનામાં એક્ઝિક્યુટિવ ક્લાસની બારીના કાચ તૂટી ગયા હતા. જેના કારણે ટ્રેન પુરી 13 મિનિટ મોડી પહોંચી હતી.
ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે ECoR ની સુરક્ષા શાખાએ આ મામલાને ગંભીરતાથી લીધો છે અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને સરકારી રેલવે પોલીસ (GRP)ને એલર્ટ કરી દીધા છે. આ અંગે સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, ECORની સુરક્ષા પાંખ ગુનેગારોને શોધવા માટે સ્થાનિક પોલીસ સાથે કામ કરી રહી છે. અધિકારીએ એમ પણ કહ્યું કે ઈસ્ટ કોસ્ટ રેલ્વે લોકોને ટ્રેનો પર પથ્થર ન ફેંકવા માટે જાગૃત કરી રહી છે. જેના માટે સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.