હોર્મુઝ સ્ટ્રેટ વિવાદ: ઈરાનની ટોલ ટેક્સ વ્યવસ્થાને કતારનું સમર્થન
દોહા, 1 જૂન 2026: વૈશ્વિક તેલ સપ્લાય માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં ઈરાન દ્વારા લાદવામાં આવેલા ટોલ ટેક્સના વિવાદમાં હવે કતાર ઈરાનના બચાવમાં આવ્યું છે. સિંગાપોરમાં યોજાયેલા ‘શાંગરી-લા ડાયલોગ’માં બોલતા કતારના નાયબ વડાપ્રધાને ઈરાનની કામચલાઉ ટોલ વ્યવસ્થાને યોગ્ય ઠેરવી છે. તેમણે જણાવ્યું હતું કે, હોર્મુઝમાં વ્યવસ્થા જાળવવા અને સુરક્ષા પાછળ થતા ખર્ચને વસૂલવા માટે ઈરાન પાસે કામચલાઉ ટોલ લેવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. જો કે, કતારે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ કાયમી ટોલ ટેક્સ સિસ્ટમની વિરુદ્ધ છે અને વૈશ્વિક સ્તરે તેનો વિરોધ કરશે.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, કતારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે હોર્મુઝનો જળમાર્ગ સંપૂર્ણપણે ખુલ્લો કરવા માટે પડદા પાછળ વાટાઘાટો ચાલી રહી છે. કતારના વડાપ્રધાન અલ-થાની પોતે બંને દેશોના મુખ્ય મધ્યસ્થો સાથે સીધા સંપર્કમાં રહીને આ ડીલનું નેતૃત્વ કરી રહ્યા છે. કતારના નાયબ વડાપ્રધાનના જણાવ્યા અનુસાર, હોર્મુઝ જળમાર્ગના તળિયે મોટા પ્રમાણમાં દરિયાઈ સુરંગો બિછાવેલી છે, જેને હટાવવા માટે ઈરાને મોટો ખર્ચ કરવો પડશે. જો સંભવિત કરાર હેઠળ ઈરાન આગામી 30 દિવસમાં આ સુરંગો હટાવે, તો તે નાણાં ઈરાનને કોણ આપશે? આ નાણાકીય બોજને પહોંચી વળવા માટે જ ઈરાન કામચલાઉ ધોરણે ટ્રાન્ઝિટ ફી વસૂલી રહ્યું છે.
-
અમેરિકાનો વિરોધ અને કરારની શરતો
અમેરિકા સાથેના સૈન્ય તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બ્લોક કરી દીધું હતું. આ 34 કિલોમીટર સાંકડો દરિયાઈ માર્ગ પર્શિયન ગલ્ફનો પ્રવેશદ્વાર છે, જ્યાંથી પસાર થઈને જહાજો ઓમાનની ખાડીમાં પ્રવેશે છે. એક અંદાજ મુજબ, સમગ્ર વિશ્વનો 20 ટકા તેલ પુરવઠો આ એકમાત્ર માર્ગ પર નિર્ભર છે. યુદ્ધ દરમિયાન ઈરાને અહીં ટોલ બૂથ બનાવવાની જાહેરાત કરી હતી અને આ માર્ગ પરથી પસાર થતા વૈશ્વિક જહાજો પાસેથી 10-10 લાખ ડોલર (આશરે 8.3 કરોડ રૂપિયા) ટ્રાન્ઝિટ ફી તરીકે વસૂલવાનું શરૂ કર્યું હતું. આ વ્યવસ્થાને કાયમી રાખવા માટે ઈરાને પોતાના શાસનતંત્રમાં એક અલગ વિભાગ પણ બનાવ્યો છે, જેને ‘ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ’ના નિયંત્રણ હેઠળ રાખવામાં આવ્યો છે.
અમેરિકા શરૂઆતથી જ ઈરાનની આ નીતિનો સખત વિરોધ કરી રહ્યું છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, કુદરતી દરિયાઈ માર્ગો પરથી આ પ્રકારે ટેક્સ વસૂલવો એ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન છે. આ મુદ્દે અમેરિકી રાષ્ટ્રપતિએ ઓમાનને પણ ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી છે. હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે જે સમજૂતીનો મુસદ્દો તૈયાર થઈ રહ્યો છે, તેમાં હોર્મુઝ ટોલ ટેક્સનો કોઈ ઉલ્લેખ નથી. આ પ્રસ્તાવમાં ઈરાન હોર્મુઝમાં કોઈપણ પ્રકારનો ટોલ વસૂલ કરી શકશે નહીં, તેના બદલામાં અમેરિકા ઈરાન પર લાદવામાં આવેલા આકરા આર્થિક પ્રતિબંધો હટાવી લેશે, તેમજ આ ઉપરાંત, અમેરિકાએ ઈરાન સમક્ષ યુરેનિયમ સંવર્ધનના કાર્યક્રમને સંપૂર્ણપણે બંધ કરવાની શરત પણ મૂકી છે. આ આંતરરાષ્ટ્રીય ગતિરોધ વચ્ચે કતારનું આ વલણ મધ્ય-પૂર્વના ભૌગોલિક રાજકારણમાં નવો વળાંક લાવી શકે છે.


