- શહેરના કુંભારવાડામાં એક્ટિવાચાલકને આખલાએ અડફેટે લીધો
- લોકો દોડી આવતા આખલાએ આધેડ વ્યક્તિને શિગડે ભેરવીને પછાડ્યા
- શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની નિષ્ક્રિયતાને લીધે રખડતા ઢોરનો ત્રાસ વધ્યો
ભાવનગરઃ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે, જાહેર રસ્તાઓ પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે. રખડતા ઢોરને લીધે રોહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે શહેરના કુંભારવાડા અક્ષર પાર્ક સોસાયટીમાં રાતના સમયે રોડ પર જતા એક્ટિવાસવારને આખલાએ અડફેટે લીધો હતો. આ બનાવ બાદ આખલાએ આધેડ પર હુમલો કર્યો હતો. આધેડને શિંગડે ભેરવી પછાડવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે બન્નેને સામાન્ય ઈજા પહોંચી છે. જેથી તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ભાવનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. બે દિવસ પહેલાં કુંભારવાડા અક્ષર પાર્ક સોસાયટીમાં રખડતા ઢોરે એક એક્ટિવાચાલકને અડફેટે લીધો હતો તેમજ આધેડ પર હુમલો કર્યો હતો. સદનસીબે, આસપાસના લોકોની ત્વરિત મદદથી આધેડને તેમજ એક્ટિવાચાલકને બચાવી લેવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના સોસાયટીના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. જેમાં જોવા મળી રહ્યું છે કે, રખડતા ઢોરે સૌથી પહેલા એક એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. જેથી એક્ટિવા રોડ પર દૂર સુધી ઢસડાયુ હતું. તેમજ ચાલક પર રોડ ઉપર ફંગોળાયો હતો. સદનસીબે ચાલકને કોઈ ગંભીર ઈજા પહોંચી ન હતી. આ ઘટના બાદ તમામ લોકો એક્ટિવા ચાલકની મદદે દોડી આવ્યાં હતા. તે દરમિયાન રખડતા ઢોરે ત્યા એક આધેડ પર હુમલો કરી દીધો હતો. જેથી આધેડ નીચે પડી ગયા હતા. જોકે, આસપાસના લોકોએ તાત્કાલીક આધેડને રખડતા ઢોરની ચુંગાલમાંથી બહાર કાઢ્યા હતા. જેથી તેનો જીવ બચી ગયો હતો
ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન શહેરમાંથી રખડતા ઢોરને નિયંત્રિત કરવા કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ આ સમસ્યા હજુ પણ યથાવત છે. શહેરના રહીશો માટે રખડતાં ઢોર મોટો ખતરો બની ગયાં છે. નાગરિકોની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાની માગ ઊઠી રહી છે.