Site icon Revoi.in

ગુંડા અને અસામાજિક તત્વો સામે કડક હાથે કામ લેવાશે: મંત્રી હર્ષ સંઘવી

Social Share

 ગાંધીનગરઃ ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીએ આજે રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે પોલીસ અધિકારીઓ અને કાયદાવિદો સાથે બેઠક યોજી રાજકોટ શહેર-જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. મંત્રીએ ગુંડા અને અસામાજિક તત્વો સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવા અને નાગરિકો સુરક્ષિત મહેસૂસ કરે તેવું વાતાવરણ જાળવવા પર ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં રાજકોટના વિવિધ વકીલોએ ગૃહ રાજ્યમંત્રી સમક્ષ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. મંત્રીએ આ પ્રશ્નોનો પોલીસ અધિકારીઓ સાથે મળીને સકારાત્મક ઉકેલ લાવવા હૈયાધારણા આપી હતી.

મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં ગુનેગારો અને અસામાજિક તત્વોમાં કાયદાની ધાક બેસે અને અને નાગરિકો સુરક્ષિત મહેસૂસ કરે તે માટે ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઇવ શરૂ કરી છે. જેમાં ગુનો કરવાની ટેવ ધરાવતા તત્વો તથા અસામાજિક તત્વો સામે કડક હાથે કામ લેવાઈ રહ્યું છે. આવા તત્વોને કડક સજા થાય તે માટે વકીલોની ભૂમિકા પણ ખૂબ મહત્વની હોવાનું તેમણે જણાવ્યું હતું.

રાજકોટ શહેર-જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના સુચારુ સંચાલન માટે પોલીસ તથા વકીલોની સમયાંતરે સંયુક્ત સંકલન બેઠક કરવા પણ તેમણે સૂચન કર્યું હતું.

આ બેઠકમાં રાજકોટ શહેર પોલીસ કમિશનર  બ્રજેશકુમાર ઝા, રાજકોટ રેન્જ આઈ.જી.  અશોકકુમાર યાદવ, અધિક પોલીસ કમિશનર  મહેન્દ્ર બગડીયા, રાજકોટ શહેર ડી.સી.પી. ઝોન-૧  સજનસિંહ  પરમાર, રાજકોટ જિલ્લા પોલીસવડા  હિમકરસિંહ, ડી.સી.પી.- ક્રાઈમ  પાર્થરાજસિંહ ગોહિલ, ડી.સી.પી.- ટ્રાફિક સુશ્રી પૂજા યાદવ, ડી.સી.પી. ઝોન-૨  જગદીશ બાંગરવા, રાજકોટ મધ્યસ્થ જેલ પોલીસ અધિક્ષક  રાઘવ જૈન, ધારાસભ્યો ઉદય કાનગડ, ડૉ. દર્શિતાબહેન શાહ,  વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Exit mobile version