1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પરના કર્મીઓની હડતાળથી દર્દીઓ પરેશાન
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પરના કર્મીઓની હડતાળથી દર્દીઓ પરેશાન

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પરના કર્મીઓની હડતાળથી દર્દીઓ પરેશાન

0
Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થતો જાય છે, ત્યારે એશિયાની સૌથી મોટી ગણાતી શહેરની સિવિલ હોસ્પિટલમાં હાલ કોરોનાનાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેવા સમયે હોસ્પિટલમાં સ્ટાફની અછત હોવાથી સિવિલ સુપ્રિટેન્ડન્ટે આઉટ સોર્સિંગ કોન્ટ્રાક્ટર પાસે સ્ટાફની માગણી કરી હતી પણ કેટલોક સ્ટાફ કામ કરવાને બદલે હડતાળ પર ઉતરી જતા દર્દીઓની હાલત કફોડી બની હતી.આ અંગે હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ જણાવ્યુ હતું કે,  કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે, તો સ્ટાફ પ્રોવાઈડ કરવાની જવાબદારી પણ તેમની છે. કોન્ટ્રાક્ટર અને આઉટ સોર્સિંગનો સ્ટાફ બંનેએ પોતાની ફરજ બજાવવાની હોય છે.

શહેરના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 1200 બેડની અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.  દર્દીઓ વધુ સંખ્યામાં દાખલ થતાં હોવાથી  સિવિલ હોસ્પિટલના ડોકટર અને નર્સિંગ સ્ટાફ પણ કોવિડ વોર્ડમાં ડ્યુટીમાં બજાવી રહ્યા છે. ત્યારે દર્દીઓ માટે અન્ય એટેન્ડન્ટની પણ જરૂર હોવાથી સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પરની એક ખાનગી કંપનીને જવાબદારી સોંપવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં ખાનગી કંપનીના કેટલાક માણસો કોન્ટ્રાક્ટ દ્વારા OT આસિસ્ટન્ટમાં કામ કરી રહ્યા છે. જેમને હાલ કોઈ કામ ના હોવાથી કોવિડ વોર્ડમાં દર્દીના એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવવા કહ્યું હતું. પરંતુ કર્મચારીઓને કોવિડ વોર્ડમાં કામ ના કરવું હોવાથી કોન્ટ્રાક્ટર સામે બળવો કરી રહ્યા છે. ખાનગી કંપનીના માણસોએ 10,000 પગારની જગ્યાએ કોવિડ વોર્ડમાં ફરજ બજાવવા માટે 18,000 પગારની માંગણી કરી હતી. ઉપરાંત ફરજ બાદ ઘરે ના જવાના બદલે સંક્રમણ ના ફેલાય તે માટે હોસ્ટેલ કે રૂમ ફાળવવા માંગણી કરી હતી. ગુરૂવારે 100 જેટલા કર્મચારીઓ હડતાળ પર હતા. ત્યારે આજે શુક્રવારે સવારે 12-15 જેટલા સ્ત્રી અને પુરુષ કર્મચારીઓ હડતાળ પર હતા. કર્મચારીઓની માંગણી કોન્ટ્રાક્ટ પરની કંપની સાથે હતી. આઉટ સોર્સિંગ માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે, તેમ છતાં કેટલાક મળતીયાઓના કારણે સિનિયર ડોક્ટરને અવગણીને સમગ્ર સિસ્ટમ પર પડદો પાડી દેવામાં આવે છે. જે સ્થિતિના કારણે દર્દીઓને સહન કરવું પડે છે.

આ મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.જે.વી.મોદીએ જણાવ્યું હતું કે, OT(ઓપરેશન થિયેટર)માં હાલ કોઈ કામ નથી તો કર્મચારીઓને કોવિડ વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેમને ખાનગી કંપની સાથે જ કર્મચારીઓ માંગ્યા હતા અને કંપનીએ કર્મચારીઓને કોવિડ વોર્ડમાં ડ્યુટી આપી હતી. સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કરનારી કંપનીને મહિને કરોડો રૂપિયાનું બિલ ચૂકવવામાં આવે છે તો તેમની પાસેથી કામ પણ લેવું જરૂરી છે. કર્મચારીઓ હોસ્ટેલ કે રૂમની માંગણી કરે છે પરંતુ અત્યારે અમે અને અમારી સાથે બીજા ડોકટર અને મેડિકલ સ્ટાફ રોજ ડ્યુટી બાદ ઘરે જ જઈએ છે અને રોજ ડ્યુટી માટે આવી છીએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code