Site icon Revoi.in

ઉનાળાના વેકેશનના ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા એસટીની એક્સ્ટ્રા બસો દોડાવાશે

Social Share

અમદાવાદઃ શાળા-કોલેજોમાં ઉનાળાના વેકેશનનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતથી સૌરાષ્ટ્ર તરફ અંદાજે 500 ટ્રીપો, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ અંદાજે 210 ટ્રીપો દોડાવાશે. આ ઉપરાંત દરેક એસટી ડિવિઝન દ્વારા વધારાની ટ્રીપો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉનાળાના વેકેશનમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં લોકો પ્રવાસ કરી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત એસ.ટી દ્વારા વધુ સેવાઓ આપવાનું સફળ આયોજન કરાયું છે. જે અંતર્ગત એસ.ટી નિગમ દ્વારા મુસાફરોની માંગણીનુસાર રાજ્યના જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક 1400થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવાશે. એમ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવવામાં આવ્યું છે.   યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર નિગમના દરેક વિભાગો ખાતે વેકેશન સમયે પ્રવાસીઓને સલામત અને સમયબદ્ધ મુસાફરીની પુરતી સુવિધા મળી રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉનાળા વેકેશન સમયગાળા દરમિયાન એસ.ટી નિગમ દ્વારા સુરતથી સૌરાષ્ટ્ર- તરફ અંદાજે 500 ટ્રીપો, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ અંદાજે 210 ટ્રીપો, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ અંદાજિત 300 અને સૌરાષ્ટ્ર તરફ 300 ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એસ.ટી નિગમ દ્વારા  ગુજરાતમાંથી પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતરરાજ્ય સેવાઓ સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યના નાગરીકો ઉનાળા વેકેશન દરમિયાન વિવિધ પ્રવાસન સ્થળોની સાથે સાથે ધાર્મિક સ્થળોના દર્શને પણ જઈ શકે તે માટે નવી ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદથી અંબાજી, સોમનાથ, દ્વારકા માટે રોજની 10 ટ્રીપ અને ડાકોર, પાવાગઢ, ગીરનાર માટે રોજની 5 ટ્રીપ તથા પ્રવાસન સ્થળો જેવા કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણગીર, સાપુતારા માટે અમદાવાદથી રોજની 5 ટ્રીપ તેમજ દીવ અને કચ્છનાં પ્રવાસ માટે અમદાવાદથી રોજની 10 બસોની ટ્રીપોનો આયોજન એસ,ટી નિગમ દ્વારા કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત આંતરરાજ્ય પ્રવાસ માટે રાજસ્થાનના માઉન્ટ આબુ અને સુન્ધામાતા જવા માટે અમદાવાદથી રોજની બે ટ્રીપ તેમજ મહારાષ્ટ્રના શિરડી, નાશિક, ધુલીયા જેવા આંતરરાજ્ય સ્થળોએ મુસાફરી માટે અમદાવાદના ગીતા મંદિરેથી બે રોજની બે ટ્રીપોનું આયોજન કરવામાં આવે છે.