ધો.12 સાયન્સમાં A’ ગૃપ કરતા B’ ગૃપમાં વધુ પરીક્ષાર્થીઓ, તબીબીમાં પ્રવેશનો ક્રેઝ વધ્યો
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ આગામી તા. 14મી માર્ચથી થઈ રહ્યો છે. રાજ્યમાં આ વખતે ધોરણ 12 સાયન્સમાં એ ગૃપ કરતા બી ગૃપમાં 73 ટકા વિદ્યાર્થી વધુ છે, તેનું કારણ એ છે. કે, રાજ્યમાં હવે ઈજનેરી અને ફાર્મસી વિદ્યાશાખાઓમાં પ્રવેશનો ક્રેઝ ઘટી રહ્યો છે. તેની સામે તબીબી વિદ્યાશાખામાં પ્રવેશનો ક્રેઝ વધી રહ્યો છે. વિદ્યાર્થીઓ એમબીબીએસ, ઉપરાંત આયુર્વેદ, હોમિયોપથી, બીડીએસ, ફિઝિયોથેરાપી, નર્સિંગ, સહિત વિવિધ શાખાઓમાં નોકરીની સારી ડિમાન્ડને લીધે પ્રવેશ મેળવતા હોય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓનો ઈજનેરી કરતા હવે મેડિકલ અને પેરામેડિકલ લાઇન વધુ પસંદ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓ નીરસ હોવાની અને મેડિકલમાં જ સૌથી વધુ રસ હોવાની સ્થિતિ સર્જાઈ છે. આ વર્ષે પણ ધોરણ 12 સાયન્સમાં કુલ 1.26 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપવાના છે. વિદ્યાર્થીઓમાં ઈજનેરી કરતા મેડિકલની પસંદગી વધુ હોવાથી A ગ્રૂપ કરતા B ગ્રૂપના વિદ્યાર્થીઓ 73% વધુ નોંધાયા છે. આવું થવા પાછળનું કારણ નિષ્ણાતો અને શિક્ષણવિદો મતે ‘એ’ ગ્રૂપના વિદ્યાર્થીઓને ધોરણ 12 પાસ થયા બાદ ઈજનેરીમાં એડમિશન તો સરળતાથી મળી જાય છે પરંતુ નોકરી નથી મળતી, જ્યારે ‘બી’ ગ્રૂપના વિદ્યાર્થીઓને મહદંશે આ પ્રશ્ન રહેતો નથી. ઉપરાંત ‘બી’ ગ્રૂપમાં મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથી જેવા વિભાગ પણ ઘણા છે. જેમાં એડમિશનની સાથે સાથે નોકરીનો તકો પણ ઈજનેરી કરતા સારી મળે છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે ધોરણ 12 સાયન્સના છેલ્લા કેટલાક વર્ષોથી એ ગ્રૂપની સરખામણીએ બી ગ્રૂપના વિદ્યાર્થીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ધોરણ 12 સાયન્સમાં A ગ્રૂપમાં 40,414 વિદ્યાર્થીઓ જ્યારે B ગ્રૂપમાં 69,936 વિદ્યાર્થીઓ જ્યારે AB ગ્રૂપના 32 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ઈજનેરીમાં વિદ્યાર્થીઓ ઘટતા જાય છે અને મેડિકલ તરફ પ્રવાહ વધતો જાય છે તેમાં મુખ્ય બે બાબત છે. ધોરણ 11-12 સાયન્સમાં ‘એ’ અને ‘બી’ ગ્રૂપ છે તે એન્જિનિયરિંગ અને મેડિકલના બે ભાગ પડે છે. એમાં જનરલી ધોરણ 10માં ગણિત સારું હોય અને 11માંથી ઈજનેરીમાં કે આઈઆઈટીમાં જવા માગતા હોય અથવા તો એવરેજ પાસ થતા હોય તે A ગ્રૂપ પસંદ કરે છે. B ગ્રૂપમાં ગણિત ન હોય એટલે બાળકોને એક ભારે વિષય ઓછો થઇ જાય છે. બાયોલોજી એના પ્રમાણમાં સરળ લાગતું હોય તેમજ મેડિકલ-પેરામેડિકલ અને બીજી એની બ્રાંચ છે જેમ કે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથી, એગ્રિકલ્ચર, વેટરનરી, ડેરી સાયન્સ, ફિશરીઝ, માઈક્રોબાયોલોજી, બાયો કેમિસ્ટ્રી આ બધી બ્રાંચ B ગ્રૂપમાં મળે તેના કારણે પણ વિદ્યાર્થીઓ આ ગ્રૂપ પસંદ કરતા હોય છે. મેડિકલમાં એડમિશન મળવાની તકોને કારણે વધુ પડતા બાળકો B ગ્રૂપ રાખે છે. બીજું એક કારણ એવું પણ છે કે A ગ્રૂપના બાળકોને એન્જિનિયરિંગમાં એડમિશન તો મળી જાય છે પરંતુ રોજગારીના પ્રોબ્લેમ થાય છે. એન્જિનિયરો તૈયાર થયા પછી પણ બજારમાં તેમને તેમની લાયકાત પ્રમાણેની નોકરી મળતી નથી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ વર્ષે રેગ્યુલર વિદ્યાર્થીઓની સાથે ગયા વર્ષે એક-બે કે તેથી વધુ વિષયમાં નાપાસ થયેલા 16,395 વિદ્યાર્થીઓ પણ 14મીથી પરીક્ષા આપશે. જેમાં ‘એ’ ગ્રૂપના 4438 અને ‘બી’ ગ્રૂપના 11,948 તેમજ એબી ગ્રૂપના 9 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ રિપીટર વિદ્યાર્થીઓ પણ રેગ્યુલર વિદ્યાર્થીની સાથે જ પરીક્ષા આપશે. 14મીથી શરૂ થનારી બોર્ડની પરીક્ષામાં અગાઉ એક કે તેથી વધુ વિષયમાં ફેલ થયેલા વિદ્યાર્થીઓએ પણ ફોર્મ ભર્યા છે. તેમની પરીક્ષા પણ નિયમિત વિદ્યાર્થીઓની સાથે જ લેવાશે.(file photo)