ભાવનગર જિલ્લામાં મીઠા ઉદ્યોગ માટે ફાળવાયેલી સરકારી જમીનોના ભાડાં વસુલવામાં તંત્રની બેદરકારી
ભાવનગરઃ જિલ્લાના ઘોઘા, મહુવા, તેમજ ભાવનગર તાલુકો અને શહેર વિસ્તારમાં મીઠાના ઉત્પાદન માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીનની ભાડાની વસુલાત જ મામલતદારો દ્વારા નહીં થતી હોવાની ગંભીર બેદરકારી કલેકટર સમક્ષ આવતા ભાડાની વસુલાત કરવા મામલતદારોને પરિપત્ર કરી તાકીદ કરી છે. દરિયાકાંઠાની કિંમતી જમીનો મીઠાંના ઉત્પાદકોને લીઝ પર આપવામાં આવેલી છે. અને સરકારે સરકારી જમીનનું નજીવું ભાડુ પણ નક્કી કરેલું હોય છે. પરંતુ લાખો રુપિયા કમાતા મીઠાં ઉત્પાદકો સરકારને નજીવું ભાડું ચુકવવાની દરકાર કરતા નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લાના મહુવા, ઘોઘા, ભાવનગર તાલુકો અને ભાવનગર શહેર વિસ્તારમાં મીઠા ઉત્પાદન માટે લીઝ પર અપાયેલી સરકારી જમીનમાં કલેકટરની તપાસણી દરમિયાન અનિયમિતતાઓ બહાર આવી છે. કલેકટરની તપાસમાં સરકારના પ્રવર્તમાન નીતિ નિયમો મુજબ ભાડાની વસુલાત નહીં કરાવતી હોવાનું બહાર આવતા કલેક્ટરે કાર્યવાહી હાથ ધરી છે. સરકારે નક્કી કર્યા મુજબ દર હેક્ટરે રૂ.300 અને દર ત્રણ વર્ષે તેમાં 15% નો વધારો અને આ વધારો ચક્રવૃદ્ધિ વ્યાજના ધોરણે એટલે કે ત્રણ વર્ષ પછી રૂ.315 અને એ પછીના ત્રણ વર્ષ પછી રૂ.315 ઉપર 15% ગણવાના હોય તેના બદલે મૂળ રકમ ઉપર જ 15% વધારો કરી સરકારી ટ્રેઝરીને નુકસાન પહોંચાડાયું છે એટલું જ નહીં ભાવનગર સીટી મામલતદાર કચેરી હેઠળ આવતા ગામોમાં એટલે કે રુવા, અકવાડા, તરસમિયા, અધેવાડા, સીદસર, ચિત્રા, નારી, વડવા, કૃષ્ણનગર સહિત શહેરી વિસ્તારોના જમીન મહેસુલના હિસાબો પણ માગણા પત્રકોમાં પણ અનિયમિતતા હોવાની અરજદારોમાં ફરિયાદ હતી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લાના તંત્રની ગંભીર બેદરકારીઓ ઉજાગર થતાં જિલ્લા કલેકટર દ્વારા તાલુકા મામલતદારને અને સિટી મામલતદારને આવા તમામ મીઠા ઉદ્યોગના ધારકો પાસેથી વસૂલવા પાત્ર રકમ અને વર્ષ 2014 થી વર્ષ 2023 સુધીમાં કરેલી વસુલાત અને બાકી નીકળતી રકમની માહિતી તૈયાર કરી રૂબરૂ હાજર થવા ફરમાન કર્યું છે. સામાન્ય માણસોને સો દોઢસો કે પાંચસો રૂપિયા માટે નોટિસ આપતા સરકારી તંત્ર લાખો રૂપિયાની બાકી માટે કેટલું બેદરકાર છે, તેની આના ઉપરથી ખાતરી થાય છે. એક હેક્ટર એટલે 10,000 ચોરસ મીટર જમીન માત્ર રૂ.300 ના ભાડે વાપરતા ઉદ્યોગપતિઓ સરકારી અધિકારી કર્મચારી સાથે સાંઠ ગાંઠ કરી સરકારી પરિપત્રોના મન ઘડંત અર્થઘટન કરાવી નજીવો વધારો પણ ભરતા નથી. આમ ભાવનગર જિલ્લામાં સરકાર દ્વારા મીઠાના ઉત્પાદન માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે પરંતુ આ જમીનના ભાડાની વસુલાતમાં જે તે મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી ભાડાની વસુલાત બાકી હોવાથી પગલાં લેવા તાકીદ કરાઈ છે.
સૂત્રોએ ઉમેર્યું હતુ. કે, મીઠા ઉત્પાદન માટે સરકાર દ્વારા દરિયાકાંઠાની કિંમતી જમીનો ફાળવવામાં આવી છે. પરંતુ ઘણા મીઠા ઉત્પાદકો દ્વારા આસપાસની સરકારી જમીન પણ વાળી લીધી છે. એટલે કે, દબાણ કર્યું છે. ત્યારે સરકારી જમીનમાં નફાકારક હેતુ માટે દબાણ કરવામાં આવે તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ અન્વયે સંબંધિત મામલતદારો દ્વારા પગલા પણ ભરી શકાય તેમ છે.