Site icon Revoi.in

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ગયા વર્ષનું બેઠેબેઠું પેપર પૂછાતા વિદ્યાર્થીઓનો વિરોધ

Social Share

અમદાવાદઃ  ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા લેવાયેલી પરીક્ષામાં  સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર સાતનું પેપર માત્ર તારીખ બદલીને ગયા વર્ષનું બેઠુંનું બેઠું પૂછાતા NSUI-ABVPએ નોંધાવ્યો વિરોધ હતો. અને ભારે હોબાળો થતા કૂલપતિએ તપાસ કમીટી નીમી છે.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર સાતની પરીક્ષામાં પેપરસેટર પ્રોફેસર દ્વારા ગયા વર્ષનું પેપર ઉપાડીને, ફક્ત તારીખ બદલીને ફરીથી છાપવાની આ ગંભીર ભૂલ સામે આવતાની સાથે જ વિદ્યાર્થી સંગઠનો મેદાને ઉતર્યા હતા. વિદ્યાર્થી સંગઠન નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આ મુદ્દે ઉગ્ર વિરોધ કર્યો હતો.  મોટી સંખ્યામાં વિદ્યાર્થી કાર્યકર્તાઓ અને નેતાઓએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો. અને આ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. સંગઠનો દ્વારા GTUના કુલપતિને આવેદનપત્ર આપીને ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો 15 દિવસમાં કડક કાર્યવાહી નહીં કરાય તો આવનારા સમયમાં યુનિવર્સિટીને તાળાબંધી કરવામાં આવશે.

આ ગંભીર બેદરકારી અંગે GTUના કુલપતિ રાજુલ ગજ્જરે જણાવ્યું હતું કે ‘જે પેપરને લઈને ઘટના બની છે તે ખૂબ દુઃખદ છે. આ અંગે વડી કચેરીમાં સમગ્ર રિપોર્ટ આપવામાં આવ્યો છે અને તપાસ કમિટી બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. GTU પાસે જે સત્તા હશે તેને આધારે પેપર તૈયાર કરનારા પ્રોફેસર સામે કાર્યવાહી કરવામાં આવશે.’

અગાઉ પણ આવી ઘટના બની હતી, જેમાં GTU દ્વારા કાર્યવાહી કરાઈ હતી, પણ તે પ્રોફેસરે હાઇકોર્ટમાં પડકારી હતી. જો કે, યુનિવર્સિટીની આ ગંભીર ભૂલ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય અને પરીક્ષાની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા કરી રહી છે.

Exit mobile version