
ગુજરાત વિદ્યાપીઠમાં સર્વધર્મ પ્રાથના બંધ કરાતા વિદ્યાર્થીઓએ કાળી પટ્ટી બાંધીને કર્યો વિરોધ
અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધીવાદીઓની કથિત વિદાય બાદ વહિવટમાં પણ પરિવર્તન કરાયું છે. દરમિયાન વિદ્યાપીઠમાં દર શુક્રવારે યોજાતી સર્વ ધર્મ પ્રાથના બંધ કરાતા વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીગીરી કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, દર શુક્રવારે સર્વ ધર્મ પ્રાર્થના કરવામાં આવતી હોય છે, પરંતુ હવે વિભાગના એક ડીન દ્વારા સર્વ ધર્મ પ્રાર્થના કરતા રોકવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા સર્વ ધર્મ પ્રાર્થના બાબતે વિદ્યાર્થીઓને ટોકવામાં આવ્યા હતા.એટલું જ નહીં, પરંતુ વિદ્યાપીઠમાં પરંપરા પ્રમાણે પ્રાર્થના બાદ પોતાના વિચાર રજૂ કરવા માટે મંચ આપવામાં આવતો હોય છે. પરંતુ હવે વિદ્યાર્થીઓને મંચ પર બોલતા પણ અટકાવવામાં આવી છે. આ બાબતને લઈને વિદ્યાર્થીઓએ ઉપાસના હોલની જગ્યાએ કેમ્પસના રસ્તા પર બેસી કાળીપટ્ટી ધારણ કરી, સર્વ ધર્મ પ્રાર્થના કરી રેટિયો કાંતી વિરોધ નોંધાવ્યો હતો.
મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં વર્ષોથી સર્વધર્મ પ્રાથના કરવામાં આવતી હતી. એટલું જ નહીં વિદ્યાર્થીઓ પોતાના ગાંધી વિચારોને વ્યક્ત કરતા હતા. હવે વિદ્યાપીઠમાં સત્તાનો તખ્તો બદલાયા બાદ સર્વધર્મ પ્રાથના પર રોક લગાવવામાં આવતી હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો. વિદ્યાર્થીઓનો દાવો છે કે, ડીન રામગોપાલ સિંહ દ્વારા સર્વધર્મ પ્રાર્થના ન કરવા જણાવવામાં આવ્યું હતું. બે વિદ્યાર્થિનીઓ જ્યારે સ્ટેજ પર બોલવા ગઈ ત્યારે તેમને અપમાનિત કરીને પોતાના વિચાર રજૂ કરવાની ના પાડવામાં આવી હતી.જેને લઈને વિદ્યાર્થીઓમાં રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જેથી વિદ્યાર્થીઓએ ગાંધીગીરી કરી વિદ્યાપીઠ પરિસરના મુખ્ય રસ્તા પર જ બેસીને પ્રાર્થના કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
વિદ્યાર્થીઓની માંગ છે કે ડીન દ્વારા આ મામલે માફી માંગવામાં આવે અને દર શુક્રવારે વિદ્યાર્થીઓને સર્વધર્મ પ્રાર્થના વિદ્યાપીઠની પરંપરા મુજબ કરવા દેવામાં આવે. આ બાબતે ગુજરાત વિદ્યાપીઠના સત્તાધીશોનું કહેવું છે કે હજુ સુધી અમને મહાદેવ દેસાઈ ભવનના વિદ્યાર્થીઓ કે જે વિરોધ નોંધાવી રહ્યા છે. તેમની તરફથી કોઈ ફરિયાદ નથી મળી. જોકે, સત્તાધીશોએ સ્વીકારી રહ્યા છે કે આ પ્રકારે કોઈને પ્રાર્થના કરતા રોકવા એ યોગ્ય બાબત નથી.