Site icon Revoi.in

વિદ્યાર્થીઓ પરીક્ષાને ઉત્સવ ગણીને ચિંતામુક્ત થઈ પેપેર લખેઃ શિક્ષણમંત્રી રિવાબા

Social Share

ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2026: આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓના ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી  રિવાબા જાડેજાએ સેક્ટર-૨૩, કડી કેમ્પસ સ્થિત એમ. બી. પટેલ ઇંગ્લીશ મીડીયમ સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી સ્કુલની મુલાકાત લીધી હતી. તેમણે પરીક્ષાર્થીઓનો ઉત્સાહ વધારતા ‘પરીક્ષાને ઉત્સવ’ ગણાવી, ચિંતામુક્ત થઈ પેપર લખવા પ્રેરણા આપી હતી.

આ અવસરે  શિક્ષણ મંત્રીએ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી વિદ્યાર્થીઓનું વ્યક્તિગત રીતે અભિવાદન કર્યું હતું. મંત્રીએ દરેક વિદ્યાર્થીને પુષ્પ, પેન અને રાઈટિંગ પેડ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા.તથા ભારતીય પરંપરા મુજબ શુભ કાર્યની શરૂઆત મીઠા મોંથી કરાવતા, મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને સાકર ખવડાવી સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી.

સાથે જ ‘પરીક્ષા એ તમારા જીવનના ઘડતરનું એક સોપાન છે, ડરવાનું કારણ નથી. મનને શાંત રાખી, આત્મવિશ્વાસ સાથે પરીક્ષા રૂપી આ ઉત્સવને ઉજવો  તેમ જણાવતા  રિવાબા જાડેજાએ વિધાર્થીઓમાં નવા ઉત્સાહ અને ઉમંગમાં વધારો કર્યો હતો.

મુલાકાત દરમિયાન મંત્રીએ શાળાના સંચાલકો સાથે વાતચીત કરી પરીક્ષા કેન્દ્ર પરની સુવિધાઓ અને સીસીટીવી કેમેરા જેવી સુરક્ષા વ્યવસ્થાઓની પણ સમીક્ષા કરી હતી. વિદ્યાર્થીઓ કોઈપણ માનસિક તણાવ વગર પરીક્ષા આપી શકે તેવા વાતાવરણ બદલ તેમણે શાળા પરિવારની સરાહના કરી હતી.

આ પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય  રીટાબેન પટેલ,  ધર્મિષ્ઠાબેન ગજ્જર, કડી સર્વ વિશ્વ વિદ્યાલયના પ્રમુખ વલ્લભભાઈ પટેલ તથા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, શાળાના આચાર્ય અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version