1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જીટીયુ દ્વારા ઑલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી મેડલ પોલિસીથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાશે

જીટીયુ દ્વારા ઑલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી મેડલ પોલિસીથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાશે

0
Social Share

અમદાવાદઃ  વિદ્યાર્થીઓમાં વિવિધ લલિતકળાઓ અને રમત-ગમત ક્ષેત્રે  રૂચી કેળવાય અને તેનાથી અવગત થાય તે અર્થે , ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના (જીટીયુ) સ્પોર્ટ્સ અને કલ્ચર વિભાગ દ્વારા દર વર્ષે વિવિધ રમતો અને યુવક મહોત્સવ – ક્ષિતિજનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ઑલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટીની વિવિધ સ્પર્ધાઓમાં પણ જીટીયુના વિદ્યાર્થીઓ રાજ્યનું પ્રતિનિધિત્વ કરીને મેડલ અને ક્રમાંક મેળવતાં હોય છે. જીટીયુ માટે મેડલ અને પ્રથમ 3 સ્થાને ક્રમાંક મેળવનારા વિદ્યાર્થી અને ટીમના તમામ સભ્યો માટે જીટીયુ દ્વારા ઑલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી મેડલ પોલિસી લાગુ કરવામાં આવી છે. આ સંદર્ભે જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે જીટીયુ હરહંમેશ કાર્યરત રહે છે. રમત-ગમત અને વિવિધ લલિતકળાઓમાં જીટીયુનું પ્રતિનિધિત્વ કરનારા વિદ્યાર્થીઓને મેડલ પોલિસી થકી પ્રોત્સાહિત કરાશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પોલિસી અંતર્ગત રાષ્ટ્રીય સ્તરે જીટીયુનું નામ રોશન કરનાર શૈક્ષણિક વર્ષ 2021-22ના વિદ્યાર્થીઓને પણ લાભ મળવા પાત્ર રહશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે જીટીયુ સ્પોર્ટ્સ અને કલ્ચર ઓફિસર ડૉ. આકાશ ગોહિલને પોલિસીના સફળ સંચાલન અર્થે શુભકામના પાઠવી હતી. ઑલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી આયોજીત તમામ રમતો તેમજ યુવક મહોત્સવની તમામ સ્પર્ધાઓમાં રાષ્ટ્રીય સ્તરે ટોપ-3માં આવનાર સહિત NCC , NSS , થલ , વાયુ અને નૌસેના કેમ્પ તથા પ્રજાસત્તાક અને સ્વતંત્રતાદિને રાજપથ લાલ કિલ્લા ખાતેની પરેડમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ અને ટીમના સભ્યોને પણ આ પોલિસીમાં આવરી લેવામાં આવેલા છે. જીટીયુ સ્પોર્ટ્સ અને કલ્ચર ઓફિસર ડૉ. આકાશ ગોહિલે આ સંદર્ભે જણાવ્યું હતું કે , સ્પોર્ટ્સ અને કલ્ચર વિભાગની આ પોલિસી થકી વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થશે. ઉપરાંત આગામી દિવસોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જીટીયુનું પ્રતિનિધિત્વ કરવા માટે પ્રેરાશે.  આ પોલિસી અંતર્ગત રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ કે પ્રથમ ક્રમ મેળવનારા વિદ્યાર્થીને 10 હજાર પુરસ્કાર પેટે અને બ્લેઝર આપવામાં આવશે. જો ટીમ ઈવેન્ટ હશે તો, પ્રતિ વિદ્યાર્થી દિઠ 7 હજાર અને કોચ તથા મેનેજર સહિત તમામને બ્લેઝર આપવામાં આવશે. સિલ્વર મેડલ કે દ્રિતિય ક્રમ મેળવનાર વિદ્યાર્થીને 7 હજાર પુરસ્કાર પેટે અને બ્લેઝર અપાશે. ટીમ ઈવેન્ટ હશે તો, પ્રતિ વિદ્યાર્થી દિઠ 5 હજાર અને કોચ તથા મેનેજર સહિત તમામને બ્લેઝર અને બ્રોન્ઝ મેડલ કે તૃતિય સ્થાને આવનાર વિદ્યાર્થીને 5 હજાર પુરસ્કાર પેટે અને બ્લેઝર તથા ટીમ ઈવેન્ટ હશે તો, પ્રતિ વિદ્યાર્થી દિઠ 3 હજાર અને કોચ તથા મેનેજર સહિત તમામને બ્લેઝર આપવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code