Site icon Revoi.in

ગુજરાતમાં ઉનાળો વધુ આકરો બનશે, તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં થોડા દિવસ પહેલા વાતાવરણમાં બેવાર પલટા આવતા તાપમાનમાં થોડા ઘટાડો થયો હતો. પણ હવે કાળઝાળ ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે. તા.27મી એપ્રિલને રવિવાર બાદ તાપમાનમાં ક્રમશઃ વધારો થશે. જોકે હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી નથી. પણ કેટલાક હવામાનની આગાહી કરનારાના કહેવા મુજબ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીને વધારો થશે. 25-27 એપ્રિલ સુધી તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની સંભાવનાઓ નથી પરંતુ તે પછી તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે. ગુજરાતમાં 1 મે સુધી તાપમાનનો પારો 40થી 44 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવનાઓ છે.

રાજ્યના હવામાન વિભાગે એપ્રિલના અંત સુધીમાં 40 થી 44 ડિગ્રી વચ્ચે તાપમાનની આગાહી કરી છે. ત્યારબાદ મે મહિનામાં પણ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. રાજ્યમાં હાલ કોઈ હીટવેવની આગાહી નથી. પરંતુ, 27 એપ્રિલ બાદ ગરમીમાં હજી પણ બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં અસહજ સ્થિતિ બની રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. એપ્રિલના અંત સુધી રાજ્યમાં 40થી 44 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની શક્યતા વ્યકત કરી છે.

અમદાવાદની આસપાસના વિસ્તારોમાં બે દિવસ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. ગુજરાતમાં સૌથી ઊંચું તાપમાન ભુજમાં 42.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. પવનની દિશા બદલાતા ગરમ હવા આવવાની સંભાવનાઓ નથી. પણ એપ્રિલના અંતમાં તાપમાનમાં વધારો થશે, અને અમદાવાદનું તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. અસહ્ય ગરમીને લીધે અમદાવાદમાં 74 જેટલા ટ્રાફિક સિગ્નલો બપોરના સમયે બંધ રાખવાને નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ પોલીસ દ્વારા વાહનચાલકો માટે મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદમાં બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન 74 જેટલાં ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે એટલે કે વાહનચાલકોએ તડકામાં સિગ્નલ પર ઊભા નહીં રહેવું પડે. બાકીના ચાલુ સિગ્નલમાં પણ સમયનો ઘટાડો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં કુલ 274 જેટલાં ટ્રાફિક સિગ્નલ આવેલાં છે જેમાંથી બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન 74 જેટલાં ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે જ્યારે 200 સિગ્નલ ચાલુ રાખવામાં આવશે. જે સિગ્નલ ચાલુ હશે તે સિગ્નલના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેમજ જે સિગ્નલ ચાલુ હશે ત્યાં મંડપ પણ લગાવવામાં આવશે જેથી વાહનચાલકોને રાહત મળશે.