Site icon Revoi.in

ઉત્તર ગુજરાતમાં ઉનાળું વાવેતરનો પ્રારંભ, પખવાડિયામાં 1300 હેકટરમાં વાવેતર

Social Share

ગાંધીનગર, 17 ફેબ્રુઆરી 2026:  રવિ સીઝન હવે પુરી થવાની તૈયારીમાં છે. જે ખેડૂતોએ વહેલા વાવેતર કર્યું હતું. તેમણે રવિ પાક લઈને હવે ઉનાળુ વાવણીનો પ્રારંભ કરી દીધો છે. જેમાં પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા પખવાડિયામાં 1300 હેકટરમાં વાવેતર થયું છે. જ્યારે મહેસાણા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હજુ સુધી ઉનાળુ વાવેતર સિઝનની શરૂઆત થઈ નથી.

ઉનાળુ સિઝનમાં ઉત્તર ગુજરાતની અંદાજે 4.28 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થવાનો અંદાજ હોવા છતાં વાવણી શરૂ થયાને બે સપ્તાહ વીતી ગયા બાદ પણ માત્ર 1300 હેક્ટર જમીનમાં જ વાવેતર થયું છે. પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં મર્યાદિત વાવણી થઈ છે, જ્યારે મહેસાણા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હજુ સુધી ઉનાળુ વાવેતર સિઝનની શરૂઆત થઈ નથી.

ઉત્તર ગુજરાતમાં શિયાળુ વાવેતર સમય કરતાં મોડું શરૂ થયું હતું. વધુમાં, ફેબ્રુઆરીની શરૂઆતથી ઠંડીનું જોર ઘટતાં પાકનો વિકાસ અપેક્ષા મુજબ થયો નથી અને ઘણી જગ્યાએ પાક હજુ કાપણી લાયક બન્યો નથી. પરિણામે ખેતરો ખાલી ન થતાં નવું વાવેતર શરૂ કરી શકાયું નથી. બે સપ્તાહના અંતે કુલ 1300 હેક્ટરમાં થયેલા વાવેતરમાં 500 હેક્ટરમાં ઘાસચારો અને 400 હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું છે. ઉપરાંત 200-200 હેક્ટરમાં મગફળી અને શાકભાજી તથા 100 હેક્ટરમાં મકાઈનું વાવેતર નોંધાયું છે. પાટણ જિલ્લામાં 400 હેક્ટરમાં ઘાસચારો, 300 હેક્ટરમાં બાજરી અને 100 હેક્ટરમાં શાકભાજી સાથે કુલ 800 હેક્ટરમાં વાવેતર થયું છે.

જ્યારે સાબરકાંઠા જિલ્લામાં 200 હેક્ટરમાં મગફળી અને બાજરી તેમજ મકાઈ અને શાકભાજીનું 100-100 હેક્ટરમાં મળી કુલ 500 હેક્ટરમાં વાવેતર થયું છે. હાલની પરિસ્થિતિ જોતા આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થતાં અને શિયાળુ પાકની કાપણી પૂર્ણ થયા બાદ જ ઉત્તર ગુજરાતમાં ઉનાળુ વાવેતર ગતિ પકડશે.

Exit mobile version