મતદાર યાદી સુધારણાની પ્રક્રિયામાં અવરોધને લઈને સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી નારાજગી, ચૂંટણીપંચને કરી ટકોર
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં બૂથ લેવલ ઓફિસર (BLO) ને ધમકાવવા ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR)ના કાર્યમાં કથિત રીતે અવરોધ ઊભો કરવાની ઘટનાઓને ગંભીરતાથી લીધી છે. અદાલતે એક કેસની સુનાવણી દરમિયાન ચૂંટણી પંચને મતદાર યાદીઓના વિશેષ સઘન પુનરીક્ષણના કાર્યમાં વિવિધ રાજ્ય સરકારો દ્વારા સહકારની કમીને ગંભીરતાથી લેવા જણાવ્યું હતું.
સર્વોચ્ચ અદાલતે કહ્યું, “જો હાલાત વધુ બગડે છે, તો પોલીસ તૈનાત કરવા સિવાય અન્ય કોઈ રસ્તો નહીં રહે.” આના પર ચૂંટણી પંચે કહ્યું કે તેમની પાસે તમામ બંધારણીય શક્તિઓ છે, જેનાથી તેઓ BLO અને અન્ય અધિકારીઓને ધમકાવવાની ઘટનાઓનો સામનો કરી શકે છે. સુપ્રીમ કોર્ટે આના પર કહ્યું કે ‘આનાથી નિપટો, નહીં તો આ હાલાતોથી અરાજકતા થઈ શકે છે.’
આ વિવાદ વચ્ચે ચૂંટણી પંચે સોમવારે પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR)ના કામકાજની દેખરેખ માટે પાંચ વરિષ્ઠ IAS અધિકારીઓને સ્પેશિયલ રોલ ઓબ્ઝર્વર (SRO) તરીકે નિયુક્ત કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ પગલું SIR પ્રક્રિયામાં પારદર્શિતા વધારવા માટે ઉઠાવવામાં આવ્યું છે.
મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફિસના એક અધિકારીએ જણાવ્યું કે SROની નિમણૂકથી તમામ વિભાગોમાં SIR પ્રક્રિયાની તપાસ મજબૂત થશે. રાજ્યમાં મતદાર યાદીઓનું વિશેષ સઘન પુનરીક્ષણ 4 નવેમ્બરના રોજ શરૂ થયું હતું. અંતિમ મતદાર યાદી 14 ફેબ્રુઆરી 2026ના રોજ જારી કરવામાં આવશે.


