Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટનો કોમેડિયન્સને આદેશ: દિવ્યાંગોની સફળતાની કહાની બતાવો, SMA પીડિતો માટે ફંડ એકત્ર કરો

Social Share

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કોમેડિયન અને યૂટ્યુબર સમય રૈના તથા ચાર સ્ટેન્ડ-અપ કોમેડિયન્સ વિપુલ ગોયલ, બલરાજ ઘઈ, સોનાલી ઠક્કર અને નિશાંત તંવરને સમાજમાં સકારાત્મક સંદેશ આપતા ખાસ કાર્યક્રમો કરવાની સૂચના આપી છે. કોર્ટે નિર્દેશ કર્યો છે કે, સૌ કોમેડિયન પોતાના પ્લેટફોર્મ્સ પર ખાસ કરીને દિવ્યાંગ લોકોને આમંત્રિત કરે અને તેમની સફળતાની કહાની રજૂ કરે. આવા કાર્યક્રમો દર મહિને બે વખત યોજવા સૂચના આપવામાં આવી છે, જેથી સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) જેવી ગંભીર બીમારીથી પીડિત લોકોના મોંઘા સારવાર માટે ફંડ એકત્રિત થઈ શકે.

કેસની હકીકત અનુસાર, ‘ક્યોર SMA ફાઉન્ડેશન’ નામની સંસ્થા દ્વારા દાખલ કરાયેલી અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, કેટલાક કોમેડિયન્સે તેમની કોમેડીમાં દિવ્યાંગોની મજાક ઉડાવે છે. કોર્ટએ કહ્યું કે, “અભિવ્યક્તિની સ્વતંત્રતા કોઈની ગૌરવહાનિ કરવાનું લાયસન્સ નથી.” તેમજ નબળા વર્ગોની હસી ઉડાવવી ‘હાસ્ય’ ગણાવી શકાતું નથી. ગત બે સુનાવણીમાં દરેક કોમેડિયન્સને વ્યક્તિગત રીતે હાજર રહેવા નિર્દેશ કરાયો હતો અને સૌએ પોતાની હરકત માટે ખેદ વ્યક્ત કર્યો હતો.

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્ય કાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે નોંધ્યું હતું કે, કોમેડિયન્સે પોતાની ભૂલ સ્વીકારી છે, જેથી કોર્ટ દંડાત્મક કાર્યવાહી કરવા માંગતું નથી, પરંતુ માફી એટલી જ મોટી હોવી જોઈએ જેટલું મોટું અપમાન થયું હોય. કોર્ટએ એ પણ કહ્યું કે, આગામી સુનાવણી પહેલાં આવા યાદગાર કાર્યક્રમો યોજાવા જોઈએ. કોર્ટએ કેન્દ્ર સરકારને સલાહ આપી છે કે, SC/ST ઉત્પીડન નિવારણ કાયદાની જેમ દિવ્યાંગોના અપમાન અને ઉત્પીડન સામે સુરક્ષા આપવા માટે અલગ કાયદો બનાવવો જોઇએ.

Exit mobile version