
હેમંત સોરેનને ચૂંટણી માટે વચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર
નવી દિલ્હીઃ કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટે લોકસભા ચૂંટણીને લઈને વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે,”નીચલી કોર્ટે આ મામલાની સંજ્ઞાન લીધી છે.” નિયમિત જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી છે, તેથી ધરપકડનો પડકાર સુનાવણી માટે આધાર બનતો નથી. હેમંત સોરેન વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી અને મંગળવાર અને બુધવારે ED વતી મદદનીશ સોલિસિટર જનરલ એસવી રાજુએ દલીલો કરી હતી.
કપિલ સિબ્બલે કોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું કે, આ 8.86 એકર જમીનનો મામલો છે અને હેમંત સોરેનને તેની સાથે કોઈ લેવાદેવા નથી. જો તમામ રેકોર્ડ સાચા હોય તો કોઈ વિવાદ ઉભો થતો નથી. એસવી રાજુએ કહ્યું કે આમાં કોઈ વિવાદ નથી એ કહેવું ખોટું છે.
સુપ્રીમ કોર્ટે હેમંત સોરેન સામે નીચલી કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હોવાની હકીકત છુપાવવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે 4 એપ્રિલે ટ્રાયલ કોર્ટે EDની ચાર્જશીટ પર સંજ્ઞાન લીધું હતું. રેગ્યુલર જામીન અરજી પણ પેન્ડીંગ હતી અને અરજીમાં આ બાબતો છુપાવવામાં આવી હતી. આના જવાબમાં કપિલ સિબ્બલે કહ્યું કે આ તેમની ભૂલ હતી, જે માહિતીના અભાવે થઈ હતી. સોરેનને કદાચ સજા નહીં મળે, પરંતુ ન્યાયાધીશોએ કહ્યું કે તે અન્ય કાયદાકીય વિકલ્પો પર ધ્યાન આપે તે વધુ સારું છે. આ અરજી પર સુનાવણી થઈ શકે તેમ નથી.
(Photo-File)