સાયબર ઠગાઈ અને ડિજિટલ અરેસ્ટ સામે સુપ્રીમ કોર્ટનું આકરુ વલણ: RBIને SOP તૈયાર કરવા આદેશ
નવી દિલ્હી, 5 ઓગસ્ટ 2026: દેશભરમાં ઝડપથી વધી રહેલા ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડો અને સાયબર ફ્રોડના ગંભીર મામલાઓ પર સુપ્રીમ કોર્ટે અત્યંત આકરુ અપનાવ્યું છે. સાયબર અપરાધોની આ જાળને નેસ્તનાબૂદ કરવા માટે સર્વોચ્ચ અદાલતે વ્યાપક નિર્દેશો જારી કર્યા છે. કોર્ટે ભારતીય રિઝર્વ બેંકને આગામી 4 અઠવાડિયાની અંદર ‘મ્યુલ અકાઉન્ટ્સ’ પર એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવા માટે આદેશ આપ્યો છે, જેથી ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો પર લગામ કસી શકાય. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ બાગચી અને ન્યાયમૂર્તિ વી.મોહનાની વિશેષ બેંચે કેન્દ્ર સરકાર, તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને RBIને આ દિશામાં નક્કર તેમજ ત્વરિત પગલાં ભરવા કડક સૂચનાઓ આપી છે:
સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે, તેઓ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધવા અને પીડિતોના નાણાં તાત્કાલિક પરત અપાવવાની વ્યવસ્થા મજબૂત કરે, તેમજ ઈ-ઝીરો એફઆઈઆર સિસ્ટમ અનિવાર્યપણે અપનાવે. રાજ્યો અને પોલીસ તંત્રને ગૃહ મંત્રાલયની 2 જાન્યુઆરીની SOP હેઠળ તૈયાર કરાયેલ ફરિયાદ નિવારણ અને ધન વાપસીની વ્યવસ્થાને અસરકારક રીતે અમલમાં મૂકવા જણાવ્યું છે. અદાલતે કેન્દ્ર સરકારને સાયબર ગુનાઓમાં જવાબદારી અને પીડિતોને યોગ્ય વળતર આપવાના માળખા અંગે ગંભીરતાથી વિચારણા કરવા તાકીદ કરી છે.
-
આંકડાઓમાં રાહત: ડિજિટલ અરેસ્ટની ફરિયાદોમાં મોટો ઘટાડો
ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલા ચોથા સ્ટેટસ રિપોર્ટ મુજબ, સાયબર સુરક્ષા એજન્સીઓના સક્રિય પ્રયાસોને કારણે ડિજિટલ અરેસ્ટ કૌભાંડોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર નોંધાયેલી ડિજિટલ એરેસ્ટની ફરિયાદો વર્ષ 2024માં 1,23,672 હતી, જે ઘટીને વર્ષ 2025માં 58249 થઈ છે. 30 જૂન 2026 ના રોજ પૂરા થતા સમયગાળા દરમિયાન આ ફરિયાદો ઘટીને માત્ર 16377 રહી ગઈ છે, જે સાયબર સેલની મોટી સફળતા દર્શાવે છે.
-
રૂ. 18.05 કરોડની રકમ પીડિતોને પરત અપાઈ
અહેવાલ મુજબ, દેશભરની 57બેંકો અને તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના સહયોગથી કુલ 36290 જેટલી ઘટનાઓમાં ગુમાવાયેલા નાણાં સફળતાપૂર્વક પાછા અપાવવામાં આવ્યા છે, જેની કુલ રકમ રૂ. 18.05 કરોડ જેટલી થાય છે. એટલું જ નહીં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ પણ ડિજિટલ અરેસ્ટના કેસોમાં કડક કાર્યવાહી કરતા 16 રાજ્યોમાં 93 સ્થળોએ મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યા છે અને 67 ફર્સ્ટ-લેયર બેંક ખાતાઓની ઓળખ કરી છે.
-
અદાલતના આગામી મહત્ત્વના સૂચનો
ખાતા ફ્રીઝ કરવાના મામલા:સાયબર ફ્રોડના કારણે અકારણ બેંક ખાતા ફ્રીઝ થઈ જવાની સમસ્યાના ઝડપી ઉકેલ માટે યોગ્ય પગલાં લેવાશે.
ટેલિકોમ સેવાઓ પર નિયંત્રણ: બેન્ચે ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય, ટેલિકોમ વિભાગ અને I4C ને ઓડિયો તથા વિડિયો કોલ્સ પર સમય-આધારિત પ્રતિબંધો મૂકવાના પ્રસ્તાવની વ્યવહારિકતા તપાસવા અને સંક્ષિપ્ત અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે.
જનજાગૃતિ અભિયાન: કાનૂની સેવા સમિતિઓ દ્વારા ડિજિટલ અરેસ્ટથી બચવા અને સાયબર સુરક્ષા અંગે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.
આ મામલે સુપ્રીમ કોર્ટે તમામ સંબંધિત સત્તાવાળાઓ પાસેથી અપડેટેડ સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે, અને આ કેસની આગામી સુનાવણી 16 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.


