અમદાવાદઃ કોરોના કાળમાં આંતરરાષ્ટ્રીય વિમાની સેવા બંધ કરવામાં આવી હતી. હવે કોરોના નિયંત્રણમાં આવી જતાં ક્રમશઃ આંતરરાષ્ટ્રીય વિમાની સેવા રાબેતા મુજબની થઈ રહી છે. દોઢ વર્ષ બાદ શારજાહ-સુરત-શારજાહની ફ્લાઇટ ઓપરેટ કરવા જઈ રહી છે. પણ દિવાળીના તહેવારને કારણે એરફેર રૂ. 8 હજારથી વધીને રૂ. 22 હજાર પર પહોંચી ગયું છે. સુરત એરપોર્ટના એર ઇન્ડિયા એક્સપ્રેસના અધિકારીઓએ કહ્યું હતું કે 1 નવેમ્બરથી શારજાહ-સુરત-શારજાહની ફ્લાઇટ ઓપરેટ થશે. જો કે, આ ફ્લાઇટ વિકલી છે અને હવે રેગ્યુલર રીતે ઓપરેટ થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના અને લોકડાઉનને સરકારે વિદેશી ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.જો કે, ભારતમાં રહેનારા વિદેશી કે પછી વિદેશમાં રહેનારા ભારતીયો પોતાના ઘરે જઈ શકે તે માટે સરકારે વંદે ભારત મિશન હેઠળ સ્પેશ્યિલ ઇન્ટરનેશનલ ફ્લાઇટો ઓપરેટ કરી હતી. જેમાં સુરત એરપોર્ટથી પણ એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરત-શારજાહની ફ્લાઇટ ઓપરેટ થઈ હતી. તેવામાં જ છેલ્લા દોઢ વર્ષમાં સુરત એરપોર્ટથી દસેક ફ્લાઇટ વંદે ભારત મિશન હેઠળ ઓપરેટ થઈ હતી. એર ઇન્ડિયા એક્સપ્રેસ શારજાહ-સુરત-શારજાહની ફ્લાઇટ શરૂ કરી હતી તે સમયે વન વે એરફેર માત્ર રૂ. 8 હજારની આસપાસ હતું. જો કે, ડીજીસીએએ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરફેરમાં વધારો કરવાની મંજૂરી આપી હોવાથી તેમજ દિવાળીના તહેવારને કારણે દુબઇ જનારા ટૂરિસ્ટ પેસેન્જરોની સંખ્યા પ્રમાણમાં વધારે હોવાથી એરલાઇન્સોએ એરફેરમાં ત્રણ ગણો વધારો કરી દીધો છે. હાલમાં સુરત- શારજાહનું પહેલી નવેમ્બરે રૂ. 16 હજાર અને ચોથી નવેમ્બરે 22 હજાર એરફેર લાગુ કરવામાં આવી રહ્યું છે. જો કે, એરફેરમાં આટલો તોતિંગ વદારો હોવા છતાં આ ફ્લાઇટને 70 ટકા બુકિંગ મળ્યું છે, એવું એરલાઇન્સના અધિકારી સૂત્રોનું કહેવું છે.