સુરેન્દ્રનગર, 19 જાન્યુઆરી 2026: શહેરમાં આવેલી વર્ષો જુની જિલ્લા જેલની બદતર હાલત છે. જિલ્લાની મુખ્ય સબજેલ હાલ તેની સ્થાપનાના 120 વર્ષના ઇતિહાસમાં સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. અંગ્રેજોના શાસન દરમિયાન બનેલી જેલમાં હાલ 125 કેદીઓની ક્ષમતા સામે 300 કેદીઓ છે. અપૂરતી જગ્યા અને સુવિધાઓના અભાવે કેદીઓ અને જેલ સ્ટાફ વચ્ચે અવારનવાર ઘર્ષણની ઘટનાઓ બની રહી છે.
સુરેન્દ્રનગર સબજેલની સત્તાવાર ક્ષમતા માત્ર 125 કેદીઓની છે, પરંતુ જેલમાં 13 મહિલાઓ અને 287 પુરુષો સહિત કુલ 300 કેદીઓ સજા કાપી રહ્યા છે. આ સંખ્યા વધવા પાછળનું મુખ્ય કારણ ધ્રાંગધ્રા સબજેલમાં ચાલી રહેલું રીનોવેશન કામ છે. ધ્રાંગધ્રા જેલ બંધ થતા ત્યાંના 30થી વધુ કેદીઓને પણ સુરેન્દ્રનગર ખસેડાયા છે. જેલમાં કેદીની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે, પરંતુ સુરક્ષા અને વ્યવસ્થા માટેનો સ્ટાફ અત્યંત મર્યાદિત છે. હાલ માત્ર 21 કર્મચારીઓ 300 કેદીઓ પર દેખરેખ રાખી રહ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જેલ અધિક્ષક, સુબેદાર અને હવાલદાર જેવી મુખ્ય વહીવટી જગ્યાઓ વર્ષોથી ખાલી પડી છે. જેલમાં અપૂરતી જગ્યા અને સુવિધાઓના અભાવે કેદીઓ અને જેલ સ્ટાફ વચ્ચે અવારનવાર ઘર્ષણની ઘટનાઓ બની રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં જ બે કેદીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેલમાં જગ્યાના અભાવે કેન્ટીન કે અન્ય રચનાત્મક પ્રવૃત્તિઓ પણ થઈ શકતી નથી.
આ ઉપરાંત જેલમાં કાયમી મેડિકલ ઓફિસર કે ફિમેલ નર્સની નિમણૂક થઈ નથી. સામાન્ય બીમારીમાં પણ કેદીઓને સિવિલ હોસ્પિટલ લઈ જવા માટે સ્ટાફને દોડધામ કરવી પડે છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ પણ જોખમી સાબિત થઈ શકે છે. જેલ સિપાઈ સહિતના 15થી વધુ કર્મચારીઓ છેલ્લા 10 વર્ષથી એક જ જેલમાં ફરજ બજાવી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે જેલમાં ગેરકાયદે વસ્તુઓ કે પ્રતિબંધિત ચીજવસ્તુઓ પહોંચવી સરળ બની જાય છે, જે જેલની શિસ્તને નુકસાન પહોંચાડી રહી છે. તંત્ર દ્વારા આ સ્ટાફની તાત્કાલિક બદલી કરી નવા લોહીને સ્થાન આપવું અનિવાર્ય બન્યું છે.

