Site icon Revoi.in

માલેગાંવમાંથી શંકાસ્પદ આતંકવાદી ઝડપાયો, દેશવિરોધી પ્રવૃતિઓમાં હતી સંડોવણી

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્ર એટીએસ અને તેલંગાણા પોલીસે માલેગાવમાં શંકાસ્પદ આતંકવાદી તૌસીફની ધરપકડ કરી છે. તેની ઉપર વિદેશી આતંકવાદી સંગઠનો સાથે સંબંધ રાખવાનો અને મહારાષ્ટ્રમાં આતંકી નેટવર્ક ઉભુ કરવાનો આરોપ છે. સુત્રોના જણાવ્યા અનુસાર તે દરજી કામની આડમાં દેશવિરોધી પ્રવૃતિઓને અંજામ આપવાની ફિરાકમાં હતો. ડિજીટલ પુરાવાઓને આધારે તેને તેલંગાણા અદાલતમાં રજુ કરવામાં આવશે.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર તૌસીફના કોલ રેકોર્ડ અને ડિજીટલ ડિવાઈસમાં વાંધાજનક જાણકારી મળી છે. મહારાષ્ટ્ર એટીએસ અને તેલંગાણા પોલીસ દ્વારા આતંકવાદીની આગવી ઢબે પૂછપરછ આરંભી છે. તેની તપાસમાં અન્ય આરોપીઓની સંડોવણી બહાર આવે તેવી શકયતા છે. પોલીસની કાર્યવાહીને પગલે માલેગાવમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. તેમજ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.