Site icon Revoi.in

સુરતના પુણાગામની ડેરીમાંથી શંકાસ્પદ 329 કિલો પનીરનો જથ્થો પકડાયો

Social Share

સુરત, 25 ફેબ્રુઆરી 2026:  શહેરમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. નકલી ઘી અને પનીર બનાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. ત્યારે શહેર પોલીસ અને મ્યુનિના ફૂડ વિભાગે શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલી ‘એ વન ડેરી ફુડસ’ પર દરોડા પાડી વેચાણ થાય તે પહેલા જ 329 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ પનીર સાથે પેકિંગ મશીનરી સહિત કુલ 95,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીએ પનીર 200માં લાવી 220માં વેચતો હતો. અંદાજે આરોપીએ અઢી વર્ષમાં હજારો લોકોના પેટમાં શંકાસ્પદ પનીર પધરાવી દીધું છે.

સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલી A-1 Dairy Foods પર સુરત SOG ટીમ અને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સંયુક્ત રેડ કરવામાં આવતા મોટા પ્રમાણમાં શંકાસ્પદ/નકલી પનીરનો જથ્થો ઝડપાયો હતો. આ કાર્યવાહી સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે હાથ ધરવામાં આવી હતી. રેડ દરમિયાન સ્થળ પરથી કુલ 329 કિલો લૂઝ પનીર જપ્ત કરવામાં આવ્યું છે, જેની અંદાજિત બજાર કિંમત રૂ. 65,800 જેટલી થાય છે.

એસએમસીના ફુડ વિભાગના સૂત્રોના કહેવા મુજબ શહેર SOGની ટીમે એસએમસીના ફૂડ સેફ્ટી ઓફિસર ડી. બી. મકવાણાને સાથે રાખી પુણાગામ મારુતિનગર સોસાયટી વિભાગ-2 ના પ્લોટ નં. 97 પર કાર્યરત ‘એ વન ડેરી ફુડસ’માં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન ડેરીના માલિક સત્યવીર તારાસિંગ ધાકરે (ઉ.વ. 28) હાજર મળી આવ્યો હતો, જે મૂળ રાજસ્થાનના ધોલપુરનો વતની છે અને હાલ ગોડાદરામાં રહે છે. દરોડા દરમિયાન ડેરીમાંથી કોઈ પણ બ્રાન્ડ વગરનું 329 કિલોગ્રામ લૂઝ પનીર મળી આવ્યું હતું. જેની કિંમત આશરે ₹65,800 થાય છે. આ ઉપરાંત, પનીર પેકિંગ કરવા માટેની પ્લાસ્ટિકની કોથળીઓ અને 30,000ની કિંમતનું એક સીલિંગ મશીન પણ જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસે કુલ 95,800નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે. પકડાયેલા સંચાલકની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તે કડોદરાથી માત્ર 200 પ્રતિ કિલોના ભાવે આ શંકાસ્પદ પનીર મંગાવતો હતો. ત્યારબાદ પોતાની દુકાને પ્લાસ્ટિકની થેલીઓમાં પેકિંગ કરી તે 220માં છૂટક અને અન્ય ડેરીઓમાં જથ્થાબંધ વેચતો હતો. સુરત શહેરમાં શુદ્ધ પનીરનો ભાવ અત્યારે 400ની આસપાસ છે, ત્યારે આટલા નીચા ભાવે પનીરનું વેચાણ ગુણવત્તા સામે મોટા સવાલો ઊભા કરે છે.

Exit mobile version