T20 વિશ્વકપની બાંગ્લાદેશની મેચનો મામલો ICC અને BCB વચ્ચેનોઃ BCCI
મુંબઈ, 12 જાન્યુઆરી 2026 : આગામી T20 વર્લ્ડ કપ 2026 પહેલા વેન્યુને લઈને વિવાદ ઉભો થયો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ સુરક્ષાના કારણોસર ભારતમાં રમવા અંગે ખચકાટ અનુભવતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ને પત્ર લખીને વેન્યુ બદલવાની માંગ કરી છે. આ મામલે હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સેક્રેટરી દેવજીત સાઈકિયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
BCCI સેક્રેટરી દેવજીત સાઈકિયાએ સ્પષ્ટ કર્યું છે કે બાંગ્લાદેશના મેચો અન્ય સ્થળે શિફ્ટ કરવા અંગે બોર્ડને હજુ સુધી કોઈ આદેશ મળ્યો નથી. તેમણે જણાવ્યું હતું કે, “બાંગ્લાદેશના મેચ ચેન્નાઈ કે અન્ય કોઈ જગ્યાએ શિફ્ટ થશે કે નહીં તે અંગે અમારી પાસે કોઈ અપડેટ નથી. આ મામલો ICC અને BCB વચ્ચેનો છે કારણ કે ICC મુખ્ય સંચાલક મંડળ છે. જો ICC અમને સ્થળમાં ફેરફાર અંગે જાણ કરશે, તો યજમાન દેશ તરીકે અમે જરૂરી પગલાં લઈશું.”
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે અગાઉ એવી માંગ કરી હતી કે તેમના મેચો શ્રીલંકામાં શિફ્ટ કરવામાં આવે. જોકે, તાજેતરના અહેવાલો મુજબ, ICC બાંગ્લાદેશના મેચો મુંબઈ અને કોલકાતાને બદલે ચેન્નાઈ અને ત્રિવેન્દ્રમમાં યોજવાનો પ્રસ્તાવ મૂકી શકે છે. હાલના શેડ્યૂલ મુજબ બાંગ્લાદેશની ટીમ ગ્રુપ-C માં છે અને તેમના લીગ મેચો મુંબઈ અને કોલકાતામાં રમાવાના છે.
આ પણ વાંચોઃઆઈ લવ ઈન્ડિયા સહિત પતંગોમાં અવનવી વેરાઈટી, પતંગ-દોરીની નીકળી ધૂમ ખરીદી


