ઉનાળામાં જીભના ચટાકા પૂરા કરશે આંબલી, જાણો 4 ટેસ્ટી વાનગીઓ વિશે
આંબલીનું નામ પડતા જ મોઢામાં પાણી આવી જાય છે. તેનો ખાટો-મીઠો સ્વાદ દાળ, શાક કે ચટણીની લહેજત વધારી દે છે. જો તમે પણ આ ઉનાળે આંબલીમાંથી કંઈક નવું અને મજેદાર બનાવવા માંગતા હોવ, તો આ ખાસ રેસિપીઝ તમારા માટે છે. ઘરે બેઠા જ બનાવો આંગળા ચાટતા રહી જવાય તેવી વાનગીઓ:
- ખાટી-મીઠી આંબલીની ચટણી
સમોસા, ભજીયા કે ચાટની જાન ગણાતી આ ચટણી બનાવવી અત્યંત સરળ છે. સૌ પ્રથમ આંબલીને ગરમ પાણીમાં પલાળી તેનો પલ્પ (ગળફો) કાઢી લો. હવે એક કઢાઈમાં આ પલ્પ લઈ તેમાં ગોળ, મીઠું, લાલ મરચું અને શેકેલા જીરુનો પાવડર ઉમેરીને ઉકાળો. ચટણી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો. આ ચટણીને તમે લાંબો સમય સ્ટોર પણ કરી શકો છો.
- ચટાકેદાર આંબલીનું અથાણું
જો તમે રૂટિન અથાણાંથી કંટાળ્યા હોવ, તો આંબલીનું અથાણું બેસ્ટ ઓપ્શન છે. આંબલીના ટુકડા કરી તેમાં મીઠું, હળદર, લાલ મરચું, રાઈનું તેલ અને અથાણાનો મસાલો મિક્સ કરો. આ મિશ્રણને બરણીમાં ભરી થોડા દિવસ તડકે રાખવાથી સ્વાદિષ્ટ અને ચટાકેદાર અથાણું તૈયાર થઈ જશે.
- ઘરે બનાવો આંબલીની કેન્ડી
બાળકોથી લઈને મોટેરાં સુધી સૌની ફેવરિટ એવી આ કેન્ડી મુખવાસ તરીકે પણ ઉત્તમ છે. આંબલીના પલ્પને કઢાઈમાં ગોળ કે ખાંડ સાથે ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો. તેમાં સંચળ, મરી પાવડર અને ચાટ મસાલો ઉમેરો. મિશ્રણ ઠંડુ થાય એટલે તેના નાના ગોળા વાળી ખાંડના બૂરામાં રગદોળીને એરટાઈટ ડબ્બામાં ભરી લો.
- સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ ‘ટેમરિંડ રાઈસ’
ઝટપટ બની જતી આ વાનગી લંચ બોક્સ કે પ્રવાસ માટે શ્રેષ્ઠ છે. સૌ પ્રથમ ભાત રાંધીને તૈયાર રાખો. એક કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ, સીંગદાણા, કઢી લીમડો અને સૂકા લાલ મરચાનો વઘાર કરો. હવે તેમાં હળદર, મીઠું અને આંબલીનો પલ્પ નાખી થોડી મિનિટ પકાવો. અંતમાં રાંધેલા ભાત ઉમેરી બરાબર મિક્સ કરો. ગરમાગરમ ટેમરિંડ રાઈસ તૈયાર છે.
આ પણ વાંચોઃઓડિશાના નયાગઢમાં ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત, 40 થી વધુ ઘાયલ


