- મુખ્યમંત્રીએ 2 દિવસમાં જ ટેન્કરનો નિકાલ લાવવાનો કર્યો હતો આદેશ,
- ટેકનોલોજીના જમાનામાં પણ તંત્રને ટેન્કર કઈ રીતે ઉતારવું તેની સમજ પડતી નથી,
- ટેન્કના માલિકની સ્થિતિ કફોડી, બેન્કના હપતા પણ ભરી શકતો નથી
વડોદરાઃ પાદરા નજીક હાઈવે પર મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતા 21ના મોત નિપજ્યા હતા. આ ઘટનાને 19 દિવસ પૂર્ણ થયા છતાંયે બ્રિજ પર લટકતું ટેન્કર હટાવવાના કોઈ પ્રયાસ કરાયો નથી. મુખ્યમંત્રીએ બે દિવસમાં જ ટેન્કરનો નિકાલ લાવવાનો આદેશ કર્યો હતો છતાં સરકારના આદેશ બાદ પણ તંત્રએ કોઈ કામગીરી હાથ ધરી નથી. આજના ટેકનોલોજીના જમાનામાં પણ બ્રિજ પર લટકતું ટેન્કર કઈ રીતે હટાવવું તેની તંત્રને સમજ પડતી નથી.
વડોદરાના પાદરા નજીક મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજની દુર્ઘટનાને 19 દિવસ થયા છે. માર્ગ અને મકાન વિભાગની ફરી બેદરકારી સામે આવી છે. તંત્ર દ્વારા હજુ પણ બ્રિજ પર લટકતું ટેન્કર ઉતારાયું નથી. સરકારના આદેશ બાદ પણ તંત્રએ કોઈ કામગીરી કરી નથી. મુખ્યમંત્રી દ્વારા માર્ગ અને મકાન વિભાગને બે દિવસમાં ટેન્કરનો નિકાલ લાવવા આદેશ કર્યો હતો. બ્રિજ દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા છતાં તંત્ર ફરી ઊંઘતું ઝડપાયું છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના સમયે લટકી ગયેલું ટેન્કર 19 દિવસ બાદ પણ લટકી જ રહ્યું છે. આ ટેન્કર તો લટકી રહ્યું છે. પરંતુ તેના માલિકની હાલત બદતર થઈ છે. કેમ કે, આ ટેન્કર લોન પર લેવામાં આવ્યું છે અને મહિને લગભગ 85 હજાર રૂપિયાનો હપતો આવે છે. ડ્રાઈવરનો માલિક પોલીસ અને વહીવટી અધિકારીઓના વચ્ચે આંટાફેરા મારી રહ્યો છે. બીજી બાજુ, ટેન્કર નીચે પડ્યું નથી, તેથી વીમ કંપનીએ પણ હાથ ઊંચા કરી લીધા છે. આવામાં ટેન્કરના માલિકને રડવાનો વારો આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા આ બ્રિજ પર લટકી રહેલ ટેન્કર હટાવવા બે દિવસનો સમય માર્ગ અને મકાન વિભાગના અધિકારી આપ્યો હતો સરકારના કરેલા આદેશ બાદ પણ આ ટેન્કર હજુ પણ ઉતારવામાં નથી આવ્યું એટલે કે હજુ પણ તંત્ર બેજવાબદાર હોઈ તેમ લાગી રહ્યું છે સરકારે કહ્યું હતું કે હેવી ક્રેન લાવી અને આ ટેન્કર ઉતારી લેવામાં આવે તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોઈ તેમ લાગી રહ્યું છે.
અંકલેશ્વરમાં રોડલાઈનના ટેન્કર માલિક રામાશંકર પાલે જણાવ્યું કે, આણંદમાં સરકારી કચેરીના અધિકારીઓ વડોદરાને દોષી ઠેરવી રહ્યા છે અને વડોદરાના અધિકારીઓ આણંદને દોષી ઠેરવી રહ્યા છે. અમે આણંદ અને વડોદરામાં સરકારી કચેરીઓની મુલાકાત લઈને કંટાળી ગયા છીએ. જ્યારે અધિકારીઓના કહેવા મુજબ બ્રિજનો સ્લેબ તોડવાનું બંધ કરી ટેન્કર ઉતારવાની કામગીરી હાથ ધરાશે. એપ્રોચ રોડ બનાવી બ્રિજ પર રહેલા ટેન્કરને ઉતારાશે. ક્રેનથી ટેન્કર લિફ્ટ થઈ શકે કેમ તે અંગે પણ સર્વે ચાલુ છે. ટેન્કર ઉતારવામાં હજુ પાંચેક દિવસનો સમય લાગી શકે છે.