રાજ્યના અનેક વિસ્તારોમાં મોડી સાંજથી રાત સુધી ધોધમાર વરસાદ વરસવાના અહેવાલ છે. ગાંધીનગર ખાતેથી જાહેર થયેલા અહેવાલ અનુસાર ગઇકાલે સવારના છ વાગ્યાથી પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 198 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં તાપીના ડોલવણમાં સાડા છ ઇંચ કરતાં વધુ જ્યારે સુરતના બારડોલીમાં પાંચ ઇંચ કરતાં વધુ સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો.અરવલ્લીમાં મોડી સાંજે ધનસુરા તાલુકામાં એક કલાકમાં ૪ ઇંચથી વધુ વરસાદ થતાં બજારમાં ઢીંચણ સમા પાણી ભરાયા હતા.. માલપુર ચોકડી વિસ્તારના કાચા મકાનોમાં પાણી ઘૂસ્યા ગયા હતા. મોડાસા-નડિયાદ સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યા હતા.ગાંધીનગરના અમારા પ્રતિનિધિના જણાવ્યાં અનુસાર ગાંધીનગરના દહેગામ તાલુકામાં વીજળીના કડાકા અને ભડાકા સાથે બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ જેટલો મુશળધાર વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમ ભયજનક સપાટીએ પહોંચી ડેમના 12 દરવાજા સાત ફુટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું.
તાપી નદીના કાંઠા વિસ્તારના 27 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. સરદાર સરોવર બંધમાંથી વહેલી સવાર સુધીમાં ત્રણ લાખ 81 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.. અમારા ભરૂચના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર મળસ્કે સાડા ચાર વાગ્યા સુધીમાં ગોલ્ડન બ્રિજ નીચે જળસપાટી 28.27 ફૂટે સ્થિર થઇ છે.
જ્યારે સરદાર સરોવરમાંથી વિપુલ પ્રમાણમાં પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા નર્મદા નદીના કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયાં છે.. ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના 14 ગામોના લોકોને સાવધ કરાયા છે. જ્યારે અંકલેશ્વરના નર્મદા કાંઠાના વિસ્તારના ખેડૂતોને પાકની ચિંતા સતાવી રહી છે. ત્યારે વડોદરા અને અંકલેશ્વરની શાળામાં રજા જાહેર કરાઇ છે.મળતા અહેવાલો અનુસાર નર્મદા બંધમાં ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતાં હવે આજે રાત્રે 23માંથી આઠ દરવાજા બંધ કરવામાં આવશે.
ડાંગ જિલ્લામાં ગઇકાલે સાર્વત્રિક વરસાદ નોધાયો છે. સતત વરસાદને કારણે જિલ્લાના નાના મોટા જળધોધ સહિત ગિરા,ખાપરીઅંબિકા અને પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો છે.ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાનમ અને કડાણા ડેમમાંથી મહિ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે આણંદ જિલ્લાના નદી કાંઠાના 26 ગામોને સાવચેત કરાયા છે.નવસારી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદના અહેવાલ છે. ખેરગામમાં આજે વહેલી સવારે ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.