Site icon Revoi.in

કોડીનાર તાલુકામાં શિક્ષકે BLOની કામગીરીથી કંટાળીને કરી આત્મહત્યા

Social Share

સોમનાથઃ ગુજરાતમાં હાલ મતદાર યાદી સુધારણા (SIR)નો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કામગીરીમાં મોટાભાગના શિક્ષકોને BLO તરીકે જોતરવામાં આવ્યા છે. શાળાના શિક્ષકોએ શિક્ષણ કાર્ય બાદ ઘેર ઘેર જઈને ફોર્મ આપવા, ભરેલા ફોર્મ પરત લેવા અને ત્યારબાદ એન્ટ્રી કરવાની, આ બધી જ કામગીરીથી શિક્ષકો પર કામનું ભારણ વધી ગયું છે. ત્યારે આવી કામગીરીથી કંટાળીને ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને BLO અરવિંદ મૂળજી વાઢેર (ઉંમર 40)એ આત્મહત્યા કરી લીધી છે. તેમણે પોતાના વતન દેવળી ખાતે માનસિક તણાવ અને ઉપલી કચેરીના કામના દબાણના લીધે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતુ.

આ બનાવની વિગત એવી છે કે, ગીર સોમનાથના કોડીનારમાં તાલુકામાં શિક્ષક એવા BLOએ ચૂંટણીલક્ષી કામગીરીના ભારણ અને તણાવને કારણે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. કોડીનારના દેવળી ગામના વતની અને છારા કન્યા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અરવિંદભાઈ વાઢેરે જીવન ટૂંકાવ્યું છે. મૃતક પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં તેમણે SIR (મતદાર યાદી સુધારણા કાર્યક્રમ) ની કામગીરીના તણાવનો ઉલ્લેખ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અરવિંદભાઈ વાઢેર 2010થી શિક્ષક તરીકે સેવામાં હતા. હાલમાં શિક્ષકોને BLO (બૂથ લેવલ ઓફિસર) તરીકેની કામગીરી સોંપવામાં આવી છે. અરવિંદભાઈએ આપઘાત કરતા પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ SIRની કામગીરીથી કંટાળી ગયા હતા અને તેના કારણે ઉદ્ભવેલા માનસિક તણાવને લીધે તેમણે આ પગલું ભર્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતકે આત્મહત્યા કરતા પહેલાં પોતાની પત્નીને સંબોધીને એક સુસાઇડ નોટ લખી હતી. આ નોટમાં તેમણે ઉપલી કચેરીની SIR કામગીરી અને તેના ભારે દબાણને કારણે થાકી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે. અરવિંદ વાઢેર છારા કન્યા શાળામાં સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. આ ઘટનાથી શિક્ષણ વિભાગની સતત કામગીરીના ભાર અને તણાવની શિક્ષક વર્ગ પર થતી અસર અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ દુઃખદ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચાર વ્યાપી ગઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

રાજ્યમાં BLOની કામગીરીથી શિક્ષકો કંટાળી ગયા છે. તાજેતરમાં કપડવંજના જાંબુડી ગામમાં રહેતાં અને નવાપુરા ગામની શાળામાં ફરજ બજાવતા આચાર્યનું હૃદય રોગના હુમલાના કારણે અવસાન થયું હતું. છેલ્લા દસેક દિવસથી તેઓ બીએલઓની કામગીરીને કારણે ખૂબ તણાવમાં અને દોડધામમાં હોવાનું તેમજ ઉજાગરા પણ કરતા હોવાને લઇને તેમને હૃદય રોગનો હુમલો આવવાથી તેમનું અવસાન થયું હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે.

Exit mobile version