સુરેન્દ્રનગરમાં મતદાર યાદી સુધારણા તાલીમ કાર્યક્રમનો શિક્ષકોએ બહિષ્કાર કર્યા બાદ મનાવી લેવાયાં
સુરેન્દ્રનગરઃ રાજ્યના પ્રાથમિક શિક્ષકોને બાળકોને ભણાવવા ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓની ઈતર કામગીરી પણ સોંપવામાં આવતી હોય છે. સુરેન્દ્રનગર શહેરના રંભાબેન ટાઉન હોલ ખાતે વઢવાણ તાલુકાના બીએલઓની મતદારયાદી સુધારણાની શિક્ષકોને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મતદાર યાદી સુધારા, નવા ઉમેરવા, હાઉસ ટુ હાઉસ સર્વે સહિતની તાલીમ આપવાની હતી. પરંતુ બીએલઓની કામગીરીની સૂચના શિક્ષકોને વ્હોટ્સએપ પર નોટિસ આપી જણાવી દેવાતા શિક્ષકોમાં રોષની લાગણી ફેલાઇ જવા પામી હતી. આથી શિક્ષકો ચાલુ કાર્યક્રમ મુકી બહાર આવી જઇ વિરોધ નોંધાવતા ચકચાર મચી જવા પામી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષકોને બીએલઓ કામગીરી સિવાય મતદારયાદી સિવાય,વિધવા,વિધુરની સંખ્યા, વેક્સિનેશનની સંખ્યા તા ૧૮ વર્ષી ઉપરના લોકોને મતદાર યાદીમાં જોડવા સહિત કામો સોંપવામાં આવ્યા છે. આથી શિક્ષકો સિવાય અન્ય કર્મચારીઓને પણ આ કામગીરી આપવા માંગ કરાઇ હતી. તેમજ શિક્ષકો રજાના દિવસોમાં મતદાર યાદીનું કામ કરે તો તેના મળતા લાભ સહિતની માંગ કરાઇ હતી. આ ઉપરાંત જ્યાં સુધી લેખિતમાં માંગ પૂરી નહીં કરાય ત્યાં સુધી તાલીમમાં આવવાનો ઇનકાર કરી દેતા અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી. જો કે શિક્ષકોની માંગ અંગે ઉકેલ લાવવાની ખાતરી આપતાં મામલો થાળે પડ્યો હતો અને તાલીમ કાર્યક્રમ શરૂ રાખ્યો હતો. આ અંગે શિક્ષકોએ જણાવ્યું હતું કે કાયમ શિક્ષકોને જ બીએલઓની કામગીરી કરાવવામાં આવે છે ત્યારે બીએલઓની કામગીરી વ્હોટ્સએપના આધારે જણાવી દેવાને બદલે લેખિતમાં હુકમ કરવા સહિતની માંગ કરી હતી. આ તકે મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતાં.