Site icon Revoi.in

અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાના 43 દિવસ બાદ સેવન્થ ડે સ્કૂલમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ

Social Share

અમદાવાદઃ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ગઈ તા. 19મી ઓગસ્ટના રોજ એક વિદ્યાર્થીએ નજીવી બાબતમાં અન્ય વિદ્યાર્થીની હત્યા કરી હતી. આ બનાવની સ્કૂલના મેનેજમેન્ટ સામે પ્રશ્નો ઊઠ્યા હતા. અને શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ કરાવવામાં આવ્યું હતું. છેલ્લા દોઢ મહિનાથી ઓફલાઈન શિક્ષણ બંધ કરાતા વિદ્યાર્થીઓના શિક્ષણને અસર થઈ હતી. આથી વાલીઓએ ઓફલાઈન શિક્ષણ ચાલુ કરવા માટે કરેલી રજુઆત બાદ સરકારે શરતોને આધિન ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની મંજુરી આપતા આજે શુક્રવારથી શાળામાં શિક્ષણ કાર્યનો પુનઃ પ્રારંભ થયો છે.

સેવન્થ ડે સ્કૂલમાં આજથી શિક્ષણ કાર્યનો પ્રારંભ થતા પહેલા શાળામાં પ્રવેશતા તમામ વિદ્યાર્થીઓની બેગ તપાસવામાં આવી હતી. શાળામાં વધુ 60 જેટલા સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. ઉપરાત સિક્યુરિટી સ્ટાફમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. આજે શાળામાં શિક્ષણ કાર્યના પ્રારંભ પહેલા જ શાળા સંચાલકો, સ્ટાફ અને તમામ વિદ્યાર્થીઓ દ્વારા મૃતક વિદ્યાર્થી નયનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાથીઓના અભ્યાસને ધ્યાનમાં રાખી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો પ્રારંભ કરાયો હતો. આજે પહેલા દિવસે શાળા પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શાળામાં વિદ્યાર્થીઓના બેગની ચકાસણી કર્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ અભ્યાસ શરૂ કરતા પહેલા મૃતક નયનને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી છે. આજથી ઓફલાઇન શિક્ષણ શરૂ થાય તે પહેલા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે કે નહીં તેની ઓબ્ઝર્વર દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. જે ચકાસણીમાં શાળામાં લોબી અને મેદાનમાં નવા 60 CCTV લગાવવામાં આવ્યા છે. તેમજ નવા 20 જેટલા સિક્યુરિટી ગાર્ડ પણ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે રાખવામાં આવ્યા છે. જે તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને શાળામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. કારણ કે આગામી સમયમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થશે તેથી તેમનો અભ્યાસ ના બગડે તે માટે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. શાળામાં ફરી કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે તમામ વિદ્યાર્થીઓના બેગની લાઇવ ડિરેક્ટર દ્વારા ચકાસણી કરવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓમાં ડર દૂર કરવા માટે તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે.

અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, શાળામાં બાળકોની શિસ્ત અને સલામતીની તમામ બાબતો જણાવાય તેની શરતે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સલામતી અને શિસ્ત સરકારની પ્રાથમિકતા છે. શાળાને ઘણી બધી બાબતોના સૂચનો કરવામાં આવ્યા હતા. વાલીઓની સમિતિ બનાવી તેમના પણ સૂચનો લેવામાં આવ્યા હતા. શાળાને જે સૂચના આપવામાં આવે છે તે તમામ બાબતોનું શાળાએ ધ્યાન રાખ્યું છે. સીસીટીવી અને સિક્યુરિટી સ્ટાફ વધારવા માટેની સૂચના આપવામાં આવી હતી તે પૂર્ણ કરવામાં આવી છે. ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બનશે તો તમામ જવાબદારી શાળાની રહેશે તે શરતે આજથી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.

Exit mobile version