દક્ષિણ આફ્રિકા સામેની T20 પહેલાં ટીમ ઈન્ડિયાએ જગન્નાથજીના આશીર્વાદ લીધા
નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ T20 મુકાબલો રમાય તે પહેલાં ભારતીય ક્રિકેટ ટીમે ઓડિશાના પૂરી સ્થિત પ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. ભારતીય ખેલાડીઓ સાથે મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ હાજર રહ્યા હતા. ટીમ ઇન્ડિયાએ આ આધ્યાત્મિક યાત્રા મંગળવારે સવારે કરી, જે દિવસે કટકના બારાબાતી સ્ટેડિયમમાં પ્રથમ T20 મુકાબલો રમાવાનો છે. ભારતીય T20 ટીમના કપ્તાન સૂર્યકુમાર યાદવ તેમની પત્ની દેવિશા શેટ્ટી સાથે મંદિરે પહોંચ્યા હતા. તેમની સાથે યુવા ખેલાડીઓ તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શુભમન ગિલ અને અન્ય ઘણા ખેલાડીઓ સામેલ રહ્યા હતા. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તમામ ખેલાડીઓએ મંદિરમાં પ્રવેશ કરીને પૂજા કરી હતી.
ભારત અને દક્ષિણ આફ્રિકા ટેસ્ટ અને વનડે સીરીઝ બાદ હવે T20 ફોર્મેટમાં આમને-સામને થશે. દક્ષિણ આફ્રિકાએ ભારતને ટેસ્ટમાં 2-0થી હરાવ્યું હતું, જ્યારે ભારતે વનડેમાં જોરદાર વાપસી કરીને 2-1થી જીત નોંધાવી હતી. T20 સીરીઝ બંને ટીમો માટે ખાસ છે, કારણ કે આ સીરીઝને T20 વર્લ્ડ કપ 2026ની તૈયારી તરીકે જોવામાં આવી રહી છે. ભારતની ટીમમાં આ મેચ માટે ઘણા મહત્વપૂર્ણ ખેલાડીઓની વાપસી થઈ રહી છે. શુભમન ગિલ, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહની વાપસીથી ટીમનું બેટિંગ અને બોલિંગ કોમ્બિનેશન વધુ મજબૂત બન્યું છે.
દક્ષિણ આફ્રિકાની ટીમમાં પણ ડેવિડ મિલર, એનરિક નોર્ત્જે જેવા મોટા નામ વાપસી કરી રહ્યા છે. આ ખેલાડીઓ આ સીરીઝને એક મોટું પ્લેટફોર્મ માની રહ્યા છે, કારણ કે આ સીરીઝની વચ્ચે જ IPLની હરાજી (Auction) થવાની છે. ઘણા ખેલાડીઓ આ સીરીઝને IPL માટે એક ‘ઓડિશન’ તરીકે જોઈ રહ્યા છે.


